Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

પશુ સંવર્ધન કેન્દ્રોના બિનઉપયોગી પશુઓની હરરાજી પ્રથા બંધ, પાંજરાપોળને સોંપાશે

ગાંધીનગર તા. ૨૪ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અબોલ પશુજીવો પ્રત્યે સંવેદનાસભર કરૂણા સ્પર્શી મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણય અનુસાર હવેથી રાજય હસ્તકના ફાર્મસ્થિત બિનઉપયોગી ગાય-ભેંસ ઉપરાંત ઘેટાં-બકરાં જેવા પશુઓનો નિકાલ જાહેર હરાજીથી કરવાને બદલે તેમને જીવનપર્યન્ત પાંજરાપોળ-ગૌશાળાઓમાં મૂકવામાં આવશે.

શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રાજયભરના જીવદયા પ્રેમીઓ અને સેવાભાવી સ્વૈચ્છિક સંગઠનો દ્વારા  આવાં બિનઉપયોગી પશુઓના નિકાલ-હરાજીથી ન કરવાની રજૂઆતો અવારનવાર થતી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ રજૂઆતોને સંવેદનાપૂર્વક ધ્યાને લઇને જીવદયા પ્રેરિત આપણી સંસ્કૃતિને અનુરૂપ 'જીવો-જીવવા દો અને જીવાડો'ના ઉદાત્ત ભાવથી નિર્ણય લઇને રાજયના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને અગાઉની આ પધ્ધતિ બંધ કરવા સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીની આ સૂચનાઓ અનુસાર એક પરિપત્ર જારી કરી હવેથી રાજય હસ્તકના ફાર્મસ્થિત બિનઉપયોગી ગાય-ભેંસ અને ઘેટા-બકરાં જેવા પશુઓનો નિકાલ હરાજીથી કરવાને બદલે તેમને રાજયની ગૌશાળા-પાંજરાપોળમાં મૂકી જીવનપર્યન્ત નિભાવવાની સૂચનાઓ બહાર પાડી છે.(૨૧.૧૯)

(3:00 pm IST)