Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ગ્રામ વિકાસ વિભાગ સાથે જોડાયેલા આઉટ સોસીઁગ કર્મચારીઓનો પગાર સીધો ખાતામાં

કોન્ટ્રાકટર રાખનાર એજન્સીઓ દ્વારા થતુ શોષણ અટકાવવાસરકારનું પગલુ

રાજકોટ તા.૨૪: રાજયના ગ્રામ વિકાસ વિભાગની કામગીરી સાથે જોડાયેલા આઉટ સોર્સીગ કર્મચારીઓનું આર્થિક શોષણ અટકાવવા માટે સરકારે તેનો પગાર કોન્ટ્રાકટર એજન્સી મારફત સીધો તેના બેંક ખાતામાં જમા થઇ જાય તેવી પધ્ધતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે. દક્ષિણ ગુજરાત સિવાઇના બાકીના ત્રણ ઝોનમાં તેની વહિવટી પ્રક્રિયા પુરી થઇ ગઇ છે. ટુંક સમયમાં અમલ થશે. ગ્રામ વિકાસ વિભાગ હેઠળની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ કામો માટે કોન્ટ્રાકટ આપવામાં આવે છે. કોન્ટ્રાકટર એજન્સી દ્વારા જે તે કામ માટે આઉટ સોર્સીગ ધોરણે કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. તે સરકારના નહી પરંતુ ખાનગી કોન્ટ્રાકટર એજન્સીના કર્મચારીઓ ગણાય છે. અમુક એજન્સીઓ સરકાર પાસેથી પુરા પૈસા લઇને પોતાના કર્મચારીઓને ઓછો પગાર આપતી હોવાની ફરીયાદો હતી તેના પગલે સરકારે પગાર સીધો જેને કર્મચારીના ખાતામાં જમા કરવાની પધ્ધતિ અપનાવવાનું નકકી કર્યુ છે. સરકાર નિયત રકમ એજન્સીના ખાતામાં જમા કરાવશે અને એજન્સીના ખાતામાંથી આઉટ સોર્સીગ કર્મચારીઓને મળવાપાત્ર રકમ આપોઆપ તેના ખાતામાં જમા થઇ જશે. સરકારે કેટલા પૈસા ફાળવ્યા અને કોન્ટ્રાકટરની એજન્સીના માધ્યમથી કયા કર્મચારીને કેટલું મહેનતાણું ચુકવાયું તેનો કોમ્પ્યુટરાઇઝડ પારદર્શક રેકોર્ડ રહેશે.  આમ શ્રમિકોનું શોષણ અટકાવવાની દિશામાં ગ્રામ વિકાસ વિભાગે પહેલ કરી છે. (૧.૧૧)

(3:00 pm IST)