Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ગુજરાતના માર્ગો પર 'ઇ-રીક્ષા' દોડશે : સરકારની રૂ. ર૦ હજાર સબસીડી

પેટ્રોલ- કેરોસીનના ધૂમાડા બદલે બેટરી આધારિત રીક્ષા : ડ્રાઇવર સહિત પાંચની બેઠક ક્ષમતા : રપ થી ૩૦ કિ.મી. ઝડપે ચાલી શકે

રાજકોટ, તા. ર૪ : ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ માટે બેટરીથી ચાલતા ટુવ્હીલર્સની યોજના અમલમાં મુકયા બાદ હવે બેટરીથી ચાલતી થ્રી વ્હીલર્સ પેસેન્જર રીક્ષા બજારમાં મુકવા માંગે છે ગુજરાતના માર્ગો પર 'ઇ-રીક્ષા' દોડતી કરવાના નવતર પ્રયોગ માટે કલાઇમેટ ચેઇન્જ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે.

સરકારી સુત્રોના જણાવ્યા મુજબ ડ્રાઇવર અને ૪ મુસાફરો સહિત કુલ પ લોકો બેસી શકે તેવી રીક્ષા બનાવીને પુરી પાડવા માટે સરકાર ટેન્ડર બહાર પાડશે એક રીક્ષાની કિંમત દોઢ લાખ આસપાસ થાય તેવો અંદાજ છે. રીક્ષાની કિંમત પૈકી ર૦ હજાર રૂપિયા સરકાર સબસીડી આપશે બાકીની રકમની વ્યવસ્થા લાભાર્થીએ કરવાની રહેશે.

'ઇ-રીક્ષા' બેટરી આધારિત ચાલશે જેની મહતમ ઝડપ રપ થી ૩૦ કિલોમીટરની રહેશે કુલ બેટરી વીજળીથી ચાર્જ કર્યા બાદ ૮૦ થી ૧૦૦ કિ.મી. સુધીનું અંતર કાપી શકશે ગુજરાતમાં હાલ ર લાખ જેટલી મુસાફર રીક્ષા હોવાનો અંદાજ છે. સરકાર પ્રથમ તબક્કે ૧રપ૦ રીક્ષા ચાલકોને રીક્ષા આપવા માંગે છે. આવતા બે મહિનામાં મુસાફરો ઇ-રીક્ષામાં ફરતા જોવા મળે તેવી તૈયારી છે. સફળતાને જોઇને ક્રમશઃ તેનો વ્યાપ વધારાશે. લાભાર્થી ગુજરાતના રહેવાસી હોય અને રીક્ષાના ધંધા સાથે સંકળાયેલ હોય તે પ્રાથમિક લાયકાત છે. સબસીડી માટેના નીતિ નિયમો ઘડાઇ રહ્યા છે. પેટ્રોલ, સી.એન.જી.કે ઘાસલેટથી ચાલતી રીક્ષાની સરખામણીએ ઇ-રીક્ષા ઘણી સસ્તી, સરળ અને પર્યાવરણ માટે ઉપયોગી સાબિત થશે તેમ સરકારી સૂત્રોનું કહેવું છે. (૯.૧૦)

(2:58 pm IST)