Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

'ઉલ્ટી',અને 'લાળ'ના ફોરેન્સીક પુરાવાઓ મેળવવા માટે જ દેશના ઇતિહાસમાં પહેલીવાર ડીએનએ ટેસ્ટ કરાવાશેઃ કેશવકુમાર

'લાંચ'ની નોટો ચાવવાનો પ્રયત્ન કરનાર પશુ ડોકટર કે જંગલ ખાતાના અધિકારીને એ ખબર ન હતી કે નોટ પરનો અદ્રશ્ય પાવડર તેનો રંગ દેખાડી તેમની વિરૂધ્ધ મજબુત પુરાવાનો ગાળીયો તૈયાર કરી રહયો છેઃ ડીએનએ ટેસ્ટથી એસીબી અદાલતમાં શું પુરવાર કરવા માંગે છે? એસીબી વડાએ અકિલા સાથેની વાતચીતમાં અભિનવ પ્રયોગ પરથી પડદો હટાવ્યો

રાજકોટ, તા., ર૪: મ્હોંમાં રહેલ લાળ કે મોઢામાંથી થતી ઉલ્ટી અને ઉબકાઓ પણ લાંચીયાઓ માટે મહત્વના અને મજબુત ફોરેન્સીક પુરાવાઓ અદાલતમાં પુરવાર થાય છે, માટે કોઇ ભ્રષ્ટાચારીઓ એમ માનતા હોય કે એસીબી ટીમને જોઇ લાંચની રકમ ગળી જવાથી પુરાવાનો નાશ થશે અને પોતાનો વાળ પણ વાંકો નહિ થાય તેવી માન્યતા ભુલ ભરેલી છે તેમ એસીબી નિયામક કેશવકુમારે અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું.

કેશવકુમારે જણાવેલ કે ભુતકાળની વાત જુદી હતી એ યુગમાં સાયન્સ હજુ ડેવલોપ થયું ન હતું. આજે તો ગુજરાતમાં એફએસએલ વડા જે.એમ.વ્યાસ જેવા તજજ્ઞના માર્ગદર્શનમાં ચાલતી ડાયરેકટર ઓફ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી તથા વિશ્વની પ્રથમ ફોરેન્સીક યુનિવર્સિટી આપણા ગુજરાતમાં છે અને આવી સંસ્થાઓ મજબુત પુરાવાની સાંકળ તૈયાર કરવામાં વિશ્વભરમાં મોટું નામ ધરાવે છે.

સીબીઆઇમાં વર્ષો સુધી વિવિધ સ્થાનો ઉપર ફરજ બજાવી બહોળો અનુભવ ધરાવતા એડીશ્નલ ડીજીપી કક્ષાના સિનીયર આઇપીએસ કેશવકુમારે જણાવેલ કે, પુરાવાઓના નાશ કરવા જેવા પ્રસંગોએ નાસીપાસ થવાના બદલે તેને પડકાર ગણી કઇ રીતે સામનો કરી અને કઇ રીતે મજબુત પુરાવાઓ ગુંથી પુરાવાઓનો નાશ કરનારાઓ તથા અન્યોને તેમાંથી શીખ મળે તેવી કાર્યવાહી કરવા તેઓ સ્ટાફને આવી પ્રેકટીકલ રીતે જ તાલીમબધ્ધ કરે છે. પરિણામે આજે એસીબીમાં આવી પડકારજનક પરિસ્થિતિ ઉભી થાય ત્યારે સ્ટાફ કે અન્ય અધિકારીઓ આસાનીથી પોતાની સાથે ચર્ચા કરી આવી બાબતો સુલ્ટાવતા હોય છે.

અત્રે યાદ રહે કે, તાજેતરમાં બનાસકાંઠા વિસ્તારમાં એક પશુ ડોકટર દ્વારા લાંચની રકમની લીધેલી ચલણી નોટ એસીબી ટીમને જોઇ ચાવવાનો પ્રયત્ન કરેલ. એસીબી વડા તથા કચ્છ-ભુજના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કૃષ્ણકુમાર સિંહ ગોહીલના માર્ગદર્શનમાં એ લાંચીયા તબીબને ઉલ્ટી કરાવી અને તે પદાર્થ કબ્જે કરી ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલી એ પશુ ડોકટરનો પ્રયાસ નિષ્ફળ બનાવેલ.

આજ રીતે બનાસકાંઠાના દાંતીવાડના ફોરેસ્ટ ઓફીસર શ્રી જોષીએ જંગલમાં લાકડાના હેરફેરના વાહન કોન્ટ્રાકટર પાસેથી ૧ર હજાર રૂપીયાની લાંચની માંગણી કરી હતી. એસીબી ટીમ તેને ઝડપવા ગઇ ત્યારે તેણે ૧ર હજાર રૂપીયા ચાવવાનો અર્થાત ગળે ઉતારવાનો પ્રયત્ન કર્યો.

એસીબી ટીમે જેના માર્ગદર્શનમાં આ કાર્યવાહી થયેલી તેવા ઇન્ચાર્જ મદદનીશ નિયામક  કે.એચ.ગોહીલનો સંપર્ક સાધતા તેઓએ એસીબી નિયામક કેશવકુમારનું ધ્યાન દોરતા તેઓએ જણાવ્યું કે પોતે તુર્ત જ ફોરેન્સીક ઓફીસરને ત્યાં મોકલે છે. તેમની હાજરીમાં સંબંધક અધિકારીના મોઢામાં રહેલી લાળના પુરાવાઓ ફોરેન્સીક અધિકારીની મદદથી લેવડાવો અને તેનો રીપોર્ટ મેળવો.

અકિલા સાથેની વાતચીતમાં કેશવકુમારે જણાવેલ કે, સંબંધક અધિકારીની લાળના પુરાવાઓ એકઠા કરાવી અમે સંબંધક અધિકારીની લાળનો ડીએનએ ટેસ્ટ કરાવીશું. જેથી સંબંધક અધિકારી એમ ન કહી શકે કે આ લાળ તેની નથી.  આમ અદાલતમાં મજબુત પુરાવા ઉભા કરીશું.

અકિલા સાથેની વિશેષ વાતચીતમાં કેશવકુમારે  અક મહત્વની વાત કરતા જણાવેલ કે, જે પશુ ડોકટરે નોટ ચાવી અને ઉલ્ટી દ્વારા પદાર્થ બહાર કાઢયો તે પદાર્થમાં નોટમાં રહેલા અદ્રશ્ય પાવડરને કારણે તેની ઉલ્ટી આછી ગુલાબી થઇ ગઇ હોય, એ ડોકટરને ખબર ન હોય કે અમો લાંચીયાઓને પકડવા માટે જે નોટો આપીએ છીએ તે નોટો પર અદ્રશ્ય પાવડર લગાડીએ છીએ. હવે આ પદાર્થ બહાર આવ્યા વગર ન રહે. તેઓએ જણાવેલ કે, આજ રીતે નોટો ચાવવાનો પ્રયત્ન કરનાર એ રેન્જ ફોરેસ્ટ ઓફીસરની લાળમાં પણ અમારો અદ્રશ્ય પાવડર ભળી ગયો હોય આપોઆપ અમોને પુરાવા સાંપડી ગયા છે. ડીએનએ ટેસ્ટ દ્વારા અમો તેની જ લાળ હતી એ પુરવાર કરી બીજા ભ્રષ્ટાચારીઓને પણ સબક શીખવાડીશું.

તેઓએ અકિલા સાથેની વાતચીતના અંતે સીબીઆઇના કેટલાક ચોક્કસ કેસો અંગે રસપ્રદ ચર્ચા કરતા જણાવેલ કે, ફોરેન્સીક પુરવાઓને કારણે એ તમામ મોટા ભ્રષ્ટ્રાચારીઓના હાથ અદાલતમાં હેઠા પડયા હતા. તેઓએ વિશેષમાં જણાવેલ કે, સાક્ષીઓ અદાલતમાં ભલે ફરી જાય, પોલીસે તેમને બળજબરીથી સાક્ષી બનાવ્યાનું રટણ કરી શકે પણ વર્ષો વિતી જાય તો પણ ફોરેન્સીકના એ મજબુત પુરાવાઓ ભ્રષ્ટાચારીઓ માટે સકંજારૂપ બનતા હોવાના પોતાને અનેક અનુભવ હોવાનું જણાવેલ. (૪.૧)

(2:56 pm IST)