Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ગુજરાતભરના લોકોને છેતરવા માટે માસ્ટર માઇન્ડોએ ૩૭ ટકા કમિશન આપી એજન્ટોની જાળ બીછાવેલઃ આશિષ ભાટીયા

બીટ કોઇન્સ બાદ વધુ એક હાઇ પ્રોફાઇલ કેસના મોટા માથાઓને સીઆઇડીએ સકંજામાં લીધાઃ ભાગેડુ દંપતિ રિમાન્ડ પરઃ પ્રાથમીક તપાસમાં ર૦૦ કરોડની છેતરપીંડીઃ આંક હજુ વધવાની સીઆઇડી વડાને ભીતીઃ ભારે ધમધમાટ

રાજકોટ, તા., ર૪: ગુજરાતભરના લોકોને છેતરવા માટે વિવિધ શહેરોમાં બ્રાન્ચો ખોલી, મુરઘાઓ ફસાવવા માટે સૌ પ્રથમ એજન્ટોની એક જાળ ઉભી કરી ૩૭ ટકા જેટલું કમિશન આપી સગુન ગૃપ ઓફ કંપની દ્વારા સગુન બીલ્ડ સ્કવેર લીમીટેડ તથા સગુન એગ્રી સ્પેસ લીમીટેડના નામે કંપનીઓ ખોલી કંપનીના ચેરમેન શ્રીમતી ગીતાબેન એમ.શાહ તથા મેનેજીંગ ડીરેકટર મનીષકુમાર સત્યનારાયણ શાહ, શૈલેષભાઇ મકવાણા અને યોગેન્દ્ર રણછોડભાઇ રામી દ્વારા ર૦૦ કરોડથી વધુ રકમની છેતરપીંડી કર્યાનું ડીજીપી કક્ષાના સીઆઇડી વડા આશીષ ભાટીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

આશીષ ભાટીયાએ જણાવેલ કે હજુ તો રીમાન્ડ પુર્વે જ આટલો ફિગર બહાર આવ્યો છે. આનાથી મોટો આંક પકડાય તો પણ નવાઇ નહી. તેઓએ લોકોને જાહેર અપીલ કરતા જણાવેલ કે, જો કોઇ આવા કૌભાંડકારોનો ભોગ બન્યા હોય તો ગુજરાતના વિવિધ સીઆઇડી  યુનિટોનો પુરાવા  સાથે સંપર્ક કરશે તો જરૂરથી કાર્યવાહી થશે.

અત્રે યાદ રહે કે, રાજેન્દ્ર હિરાભાઇ પરમાર નામના ફરીયાદીએ ૧૦-૧૧-૧૭ના રોજ સીઆઇડી ક્રાઇમની આર્થિક ગુન્હા નિવારણ શાખા ગાંધીનગર ખાતે ફરીયાદ કરેલ અને ફરીયાદ બાબતે સીઆઇડી વડાને પણ જાણ કરેલ.

ફરીયાદ મળતા જ સીઆઇડી વડા આશીષ ભાટીયાના આદેશથી વિવિધ કલમો હેઠળ ગુન્હા દાખલ કરી ગત તા. ૩૦-૧૧-૧૭ના રોજ કંપનીના ડાયરેકટર શૈલેષ ડાયાભાઇ મકવાણા, એકઝીકયુટીવ મેનેજર યોગેન્દ્ર રણછોડભાઇ રામી તથા ડાયરેકટર  સમરસિંહ ગણપતસિંહ રાઠોડને ચાલુ માસના પ્રથમ તારીખે અટક કરવામાં આવેલ.

દરમિયાન સીઆઇડી વડાને મળેલ ચોક્કસ બાતમીના આધારે સગુન એગ્રી સ્પેસ અને સગુન બિલ્ડ સ્કવેર કંપનીના ચેરમેન ગીતાબેન શાહ અને એમડી મનીષ શાહને હિંમતનગરના નિવાસસ્થાનેથી ઝડપી લઇ રિમાન્ડની કાર્યવાહી શરૂ કરેલ છે. (૪.૨)

(2:56 pm IST)