Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

હાર્દિકની સિંહગર્જનાઃ માલવણ ‘મહાપંચાયત'માં જે ધારાસભ્‍યો પાટીદાર સમાજની સાથે હોવાની વાત કરવા નહિ આવે તો

એવા પાટીદાર ધારાસભ્‍યો પહેલા જેવા જ વિરોધની તૈયારી રાખે

શનિવારે ૪૦૦૦ પાટીદાર ગામોમાંથી ૭-૭ લોકો આવશેઃ મહાપંચાયતમાં ૩૦ હજારઃ લોકો ઉમટી પડશેઃ પ્રત્‍યેક તાલુકામાં જઇશ, પંચાયત બોલાવશું : હાર્દિકે સ્‍પર્શ કરેલ તે કરમસદની સરદાર પ્રતિમાને ભાજપ અગ્રણીઓએ ગંગાજળથી પવિત્ર કરીઃ હાર્દિકે પૂછયું કે કર્યુ ગંગાજળ લાવેલ? મોદીજી સાફ કરાવી રહ્યા છે તે મેલી ગંગાનું જળ લાવેલ? તમે તો કરમસદની ભૂમિ વેચી મારી છેઃ સરદાર પ્રતિમાને અડવાનો પણ તમને હકક નથી?

રાજકોટ તા. ર૪ :.. બે દિવસ પછી તા. ર૬ ને શનિવારે સુરેન્‍દ્રનગરના પાટીદાર ગઢ ગણાતા ‘મોટી માલવણ' ગામે ‘પાસા'નાસુપ્રીમો શ્રી હાર્દિક પટેલે પાટીદાર મહાપંચાયત બોલાવી છે. અને પાટીદાર સહિતના સમાજો માટે અનામતની માગણી અંગે બૂંગીયો ફુંકશે.

દરમિયાન આજે સવારે અકિલા સાથેવાત કરતા એક પ્રશ્નના જવાબમાં શ્રી હાર્દિક પટેલે જણાવ્‍યું હતું કે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ બન્નેના નવી ચૂંટણીમાં નવા પાટીદાર ધારાસભ્‍યો પણ ચૂંટાઇ આવ્‍યા છે. ત્‍યારે પાટીદાર સમાજ માટે ના આ મહાઅભિયાનમાં તેઓ સાથે છે કે કેમ તે દર્શાવવા મહાપંચાયતમાં અચૂક આવવું જોઇએ, આમંત્રણો પણ મોકલ્‍યા છે. અનેજો સમાજ સાથે ન હોય, મહાપંચાયતમાં નહિ આવે તો પહેલા જેવા વિરોધ માટે તૈયારી રાખે તેવી સ્‍પષ્‍ટ વાત શ્રી હાર્દિક પટેલે કરી હતી.

શ્રી હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતમાં પાટીદાર વર્ચસ્‍વવાળા ૪૦૦૦ ગામો છે. આ દરેક ગામથી ૭-૭ લોકો આવે તો અને તા.ર૬ ની મહાપંચાયતમાં ત્રીસેક હજાર લોકો ઉમટી પડશે તેવું હું માનું છે.

પાસ સુપ્રિમોએ વિશેષમાં કહેલ કે આ પછી ઓગસ્‍ટ મહિનાથી ગુજરાત વ્‍યાપી ગુજરાત જનજાગૃતિ યાત્રા કાઢીશું.

હાર્દિક પટેલે પાટીદાર અનામતની માગને લઇને ર૬મીએ સુરેન્‍દ્રનગર જિલ્લાના મોટી માલવણ ગામમાં મહાપંચાયતનું આયોજન કરવાની જાહેરાત કરી છે. તે સંદર્ભે હાર્દિક પટેલ સમાજના અગ્રણીઓ અને નેતાઓને એક ખુલ્લો પત્ર લખીને ગુજરાતના સુરેન્‍દ્રનગર જિલ્લાના મોટી માલવણ ગામમાં ર૬ મી મેએ યોજાનારી મહાપંચાયતમાં સામેલ થવા આમંત્રણ આપ્‍યું છે.

આ ખુલ્લા પત્રમાં હાર્દિક પટેલે રાજયભરના પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓને પણ ર૬ મી મેએ પંચાયત સ્‍થળ પર પહોંચવા કહ્યું છે, જેથી અનામતની માંગ અને આંદોલનકારીઓ સામેના પોલીસ કેસો પાછા ખેંચવાના સહિતના મામલે આગળની રણનીતિ નકકી કરી શકાય.

હાર્દિકે ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીને પણ પત્ર લખ્‍યો છે અને તેમાં બંને પક્ષના પાટીદાર ધારાસભ્‍યોની સાથે તેમાં  સામેલ થવા અપીલ કરી છે. હાર્દિકે પોતાના પત્રમાં આ નેતાઓને ચેતવણી પણ આપી છે. વાઘાણી અને ધાનાણીને લઇને હાર્દિકે લખ્‍યું છે કે, તમારે મહાપંચાયત સામેલ થઇને સમાજને પોતાનું સમર્થન આપવું જોઇએ. જો તમે અહીં નહીં આવો તો અમે માનીશું કે તમે અનામતની આ લડાઇમાં પાટીદાર સમાજની સાથે નથી.

હાર્દિકના પત્રનો સીધો અર્થ એવો પણ કરાઇ રહ્યો છે કે જો વાઘાણી કે ધાનાણી આ મહાપંચાયતમાં હાજર નહીં રહે તો તેઓ સમાજની સાથે નથી. પાટીદાર સમાજની અનામતની માગ ખાસ કરીને નોકરીઓ અને શિક્ષણ માટેની જ છે જેમાં પાટીદારઅન્‍યાય અનુભવી રહ્યો છે.

શ્રી હાર્દિક પટેલે અકિલાને જણાવેલ કે ગુજરાતના પ્રત્‍યેક તાલુકામાં મહાપંચાયત બોલાવીશું અને ત્‍યાં અનામત બાબતે નિર્ણય લેવાશે. ગુજરાતના તમામ તાલુકાઓને હું જાતે જઇ આવરી લઇશ.

કરમસદમાં સરદાર પટેલના બાવલાને હાર્દિક પટેલે ફુલહાર કર્યા હતાં. તેના સ્‍પર્શથી સરદાર પ્રતિમા અપવિત્ર થયાનું જણાવી આણંદ ભાજપના સાંસદ શ્રી દિલીપભાઇ પટેલ અને ભાજપના કોર્પોરેટરોએ ગંગાજળ - દૂધથી પ્રતિમાને ફરી પવિત્ર કરી હતી. આ અંગે પુછતા શ્રી હાર્દિક પટેલે જણાવેલ કે કઇ ગંગાનું ગંગાજળ લાવેલા! મોદીજીએ કરોડો-અબજોનો ખર્ચ કરી રહેલ છે તે ગંદી ગંગાનું જળ લાવેલા... તમને લોકોને (ભાજપના લોકોને) તો સરદાર સાહેબની પ્રતિમાને હાથ અડાડતા પહેલા શરમ આવવી જોઇએ. તમે લોકોએ તો કરમસદની માટી વેચી મારી છે. હાર્દિક પટેલે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતાં.

(11:52 am IST)