Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

એકજ દિવસમાં ૯ કરોડ વૃક્ષોઃ વૃક્ષારોપણનું મહા અભિયાન

૨૦ જુલાઇ પછી ભાજપ સરકાર લોકભાગીદારીથી ૧૫ કરોડ વૃક્ષ રોપશેઃ ૩ વર્ષ સુધી ૫ કરોડ નવા વૃક્ષો રોપવાનો લક્ષ્યાંક

રાજકોટ તા.૨૪: રાજ્ય સરકાર જળસંચય અભિયાન બાદ વૃક્ષારોપણનું મહાઅભિયાન શરૂ કરશે. વરસાદ પડ્યાના થોડા દિવસ બાદ રાજ્ય સરકાર તા.૨૦ જુલાઇ પછી લોકભાગીદારીથી રાજ્યભરમાં વૃક્ષારોપણનું મહાઅભિયાન હાથ ધરી ૧૫ કરોડ જેટલા નવા વૃક્ષો રોપશે. રાજ્યના ૧૮ હજારથી વધુ ગામડાઓમાં એક જ દિવસમાં ૯ કરોડ ૭૭ હજાર વૃક્ષો રોપીને વૃક્ષારોપણમાં ગુજરાત વિશ્વવિક્રમ બનાવશે.

 

રાજ્યમાં હાલ ૩૦ કરોડથી વધુ ઝાડ હયાત છે. પર્યાવરણની દ્રષ્ટ્રિએ પૃથ્વી પર ૩૩ ટકા વૃક્ષો હોવા અનિવાર્ય છે. તે મુજબ ગુજરાતમાં હાલ ૧૧ ટકા વૃક્ષો હયાત છે, જેને ૩૩ ટકા સુધી પહોંચાડવાનું રાજ્ય સરકારે બીડું ઉપાડ્યું છે. જે અંતર્ગત આગામી ત્રણ વર્ષ સુધી સામાજિક વનિકરણ વિસ્તારમાં પ્રતિ વર્ષ ૫ કરોડ જેટલાના નવા વૃક્ષો રોપવામાં આવશે. ચાલુ વર્ષે રાજ્યમાં વરસાદ પડ્યાના ૧૦ દિવસ પછી કોઇ એક દિવસને નક્કી કરીને તે દિવસે સવારે ૭ વાગ્યાર્થી સાંજે ૫ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૮ હજારથી વધુ ગામડાંઓમાં એક જ સાથે  ૯ કરોડથી વધુ વૃક્ષો રોપીને ઇતિહાસ કચશે. રાજ્ય સરકારના વન વિભાગ પાસે હાલ ૧૦ કરોડ જેટલાં રોપા હયાત છે જ્યારે આ અભિયાનને પાર પાડવા માટે વધારાના ૫ કરોડ જેટલાં રોપા બહારથી મેળવવામાં આવશે. સરકાર સામાજિક, સ્વૈચ્છિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગકારો, વેપારીઓ અને સામાન્ય જનતાને આ અભિયાનમાં જોડાશે.

કાજુ,સીતાફળનાં વૃક્ષો રોપાશે

વિવિધ જિલ્લાઓમાં કાજુ,સીતાફળ, જાંબુ, ફણસ, લીમડો અને વોગોલી સહિતના ફળોના બીજ અધારિત રોપા રોપાશે. બાદમાં નાગરિકો આવા ફળોનો વિના મુલ્યે લાભ મેળવી શકશે. રાજ્યની સુંદરતા વધારવા માટે ગુલમહોર, આસોપાલવ, નીલગીરી, ગરમાળો, સરૂ, અરડુશા, કણજી, કોતરકો, વડ અને પીપડ જેવા વૃક્ષોના રોપા રોપવામાં આવશે.(૭.૧૦)

(11:49 am IST)