Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

આંકલાવના હઠીપુરા પાસે પોલીસે વોચ ગોઠવીને કારમાંથી 1 લાખના દારૂના જથ્થા સાથે ત્રણની ધરપકડ કરી

આંકલાવ:પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે હઠીપુરા પાસે વોચ ગોઠવીને વૈભવી કારમાં વડોદરાથી આંકલાવ તરફ લાવવામાં આવી રહેલો ૧.૦૩ લાખનો વિદેશી દારૂ જપ્ત કરીને ત્રણ શખ્સોને ઝડપી પાડી પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

 


મળતી વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે આંકલાવ પોલીસને હકિકત મળી હતી કે, વડોદરાથી વાયા ઉમેટા બ્રીજ થઈને કારમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો આંકલાવમાં લાવનાર છે. કારનું પાયલોટીંગ એક બાઈક સવાર કરનાર છે. જેના આધારે પોલીસે હઠિપુરા પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન રાત્રીના પોણા બારેક વાગ્યાના સુમારે એક કારની આગળ બાઈક પાયલોટીંગ કરતું આવી ચઢતાં પોલીસે આડશ ઉભુ કરીને ઝડપી પાડ્યા હતા અને કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂના ૪૧૪ ક્વાર્ટરીયા કે જેની કિંમત ૧.૦૩ લાખ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો.

પોલીસે શંકર સીતારામ મોરે, આદીલ નજીરભાઈ શેખ અને યોગેશ ચન્દ્રકાન્તભાઈ કરંજે (રે. ત્રણેય વડોદરા)ને ઝડપી પાડીને પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો પરબત ઉર્ફે કાબો અને આમરોલ ગામે રહેતા ભયલાલ ઉર્ફે ભયજીએ મંગાવ્યો હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે કુલ ૪.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા ત્રણેયના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે.

(6:31 pm IST)