Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સુરતમાં આંગડિયા પેઢીના બે કર્મચારી પર ચપ્પુના ઘા જીકી ગઠિયાએ લૂંટ ચલાવી

સુરત:સુરતના સ્ટેશન નજીકના ભરચક વિસ્તારમાં આજે મોડી સાંજે દિલ્હીગેટ બેલ્જીયમ સ્કવેર નજીક આંગડીયા પેઢી જયંતિ સોમાના બે કર્મચારી ઉપર ચપ્પુ વડે હુમલો કરી રોકડ-દાગીના સહિત લાખોની મત્તાની લૂંટ કરી ત્રણ  લૂંટારૂ ફરાર થઇ ગયા હતા.  હુમલામાં એક કર્મચારીને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બનાવ અંગે પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો  મુજબ હરિપુરા સ્થિત જયંતિ સોમા આંગડીયા પેઢીના કર્મચારી કિશોરભાઇ લુખી અન્ય કર્મચારી સાથે બારડોલી ઓફિસથી રોકડા રૂ. ૩ લાખ અને સોનાના દાગીના સાથેનું પાર્સલ લઇ એસ.ટી. બસમાં સુરત આવવા નીકળ્યા હતા. મોડી સાંજે બંને કર્મચારી સુરતના સહરા દરવાજા નજીક એસ.ટી. બસમાંથી ઉતરી તેઓ રીક્ષા ભાડે કરી દિલ્હીગેટ બેલ્જીયમ સ્કવેર નજીક ગેલેક્સી હોટલ પાસે ઉતર્યા હતા.

બંને કર્મચારી હરિપુરા જવા ત્યાં રીક્ષાની રાહ જોતા હતા, તે સમયે એક મોટરસાયકલ ઉપર ત્રણ બુકાનીધારી આવ્યા હતા અને બંને કર્મચારી ઉપર હુમલો કરી કિશોરભાઇને હાથના ભાગે તેમજ છાતીના ભાગે ચપ્પુના ઘા મારી તેમની પાસેનું રોકડા રૂ. ૩ લાખ અને સોનાના દાગીના સાથેનું પાર્સલ લૂંટી ત્રણેય ફરાર થઇ ગયા હતા. મોડી સાંજે ભરચક એવા દિલ્હીગેટ વિસ્તારમાં લૂંટની ઘટનાને પગલે ચકચાર મચી ગઇ હતી.

(6:30 pm IST)