Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ગુજરાતમાં દલિતો સુરક્ષિત નથી, રૂપાણી રાજીનામુ આપે : કોંગ્રેસ

મુખ્યમંત્રીના વિસ્તારમાં જ દલિત પર અત્યાચાર

અમદાવાદ, તા. ર૩ : શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં એક નિર્દોષની હત્યા દલિત યુવાનને નજીવી બાબતમાં અત્યંત બર્બરતા પૂર્વક ઢોર માર મારી કરપીણ હત્યા કરવામાં આવી. આ સમગ્ર ઘટનાના વિડીઓ કૂટેજ પણ મીડિયામાં અને સોસીયલ મીડિયામાં વાયરલ થતાં ગમે તેવા માનવીનું હૃદય દ્રવી ઉઠે. આ સમગ્ર ઘટનાથી પુનઃ ગુજરાતની ધરતી કલંકિત થઇ છે. ત્યારે મૃતક દલિત પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પ્રમુખશ્રી અમીત ચાવડા, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠનના પ્રભારીશ્રી રાજીવ સાતવજી, એ.આઇ.સી.સી. એસ.સી. વિભાગના કન્વીનરશ્રી રવિન્દ્ર દલવીજી, પૂર્વ સાંસદ રાજુભાઇ પરમાર, ધારાસભ્યશ્રી શૈલેષ પરમાર, શ્રી સોમાભાઇ પટેલ, શ્રી નૌષદ સોલંકી, લાખાભાઇ ભરવાડ, જીલ્લા પંચાયત પ્રમુખ ચેતન ખાચર સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનોએ સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના પરનાળા ગામની મુલાકાત લઇ સહાનુભૂતિ વ્યકત કરી હતી. ભોગ બનનાર પરિવારને કોંગ્રેસ પક્ષ તરફથી ૧ લાખ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવી હતી.

પત્રકારો સાથે વાતચીત પ્રમુખશ્રી અમીત ચાવડા અને પ્રભારીશ્રી રાજીવ સાતવજીએ જણાવ્યું કે ગુજરાત ભાજપ શાસનમાં દલિતો પર અત્યાચારોમાં સતત વધારો થઇ રહ્યો છે. ભાજપ સરકાર દલિતો પર અત્યાચાર રોકવામાં નિષ્ફળ નીવડી છે. ઉલ્ટાનું દલિતો પર અત્યાચાર કરનારને ભાજપ સરકાર રાજકીય રક્ષણ આપી રહી છે. રાજયના મુખ્યમંત્રી જયાંથી પ્રતિનિધિત્વ કરે છે તે વિસ્તારમાં જ અતિ ગંભીર ઘટના બને ત્યારે દલિતોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રાજયના મુખ્યમંત્રી તેમના પદ પરથી રાજીનામુ આપે. પૂજય ગાંધીજી અને સરદાર સાહેબના ગુજરાતમાં જે પ્રકારે દલિતો સાથે અત્યાચારની ઘટનાઓ ઘટી રહી છે તે જોતા ગુજરાતમાં દલિતો સુરક્ષિત નથી. ગુજરાતની ભાજપ સરકારે જે પ્રકારે એટ્રોસીટી એકટને પાંગળો બનાવી દીધો તેથી જાતીવાદી માનસિકતા ધરાવતા લોકોએ માજા મૂકી છે.

(2:59 pm IST)