Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

દાહોદમાં હિન્દુ-મુસ્લિમ સાથે મળીને અંતિમક્રિયા કરે છે

કોરોનાકાળમાં કોમી એકતા : દાહોદના સ્મશાનગૃહમાં દરરોજ ૨૦થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કોવિડ ગાઈડ લાઇન પ્રમાણે થઈ રહ્યા છે

દાહોદ,તા.૨૪ : વધતાં કોરોના સંક્રમણને કારણે દાહોદમાં દરરોજ ૨૦થી વધુ અંતિમસંસ્કાર કોરોના ગાઈડલાઇન પ્રમાણે થઈ રહ્યા છે. ત્યારે હિન્દુ સ્મશાનમાં હિન્દુ-મુસ્લિમ સાથે મળીને અંત્તિંક્રિયાની સેવામાં જોડાઈને કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ના કોઈ નાતજાત કે ના કોઈ ધર્મ કે નથી કોઈ ઊંચનીચ ભેદભાવ દાહોદના સ્મશાનમાં  હિન્દુ-મુસ્લિમની કોમી એકતાની મિશાલ ઊભી કરતા યુવાનો કે જે ખભેખભો મિલાવી આખા દિવસમાં ૨૦-૩૦ મૃતદેહોના અંતિમસંસ્કાર કરી રહ્યા છેય સલામ છે આવા યુવાનોને. હાલમાં કોરોનાનો કહેર દાહોદ શહેર સહિત જિલ્લામાં દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે.

સંક્રમણની ઝપેટમાં અનેક લોકો આવી રહ્યા છે ઘણા પરિવારમાં આખે આખો પરિવાર પણ કોરોના પોઝિટિવ આવી રહ્યો છે. દાહોદની તમામ હૉસ્પિટલો હાઉસફુલ છે. આવા સમયે દાહોદના સ્મશાનગૃહમાં દરરોજ ૨૦થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કોવિડ ગાઈડ લાઇન પ્રમાણે થઈ રહ્યા છે. દાહોદની હોસ્પિટલમાં જિલ્લામાંથી તેમજ સરહદી વિસ્તારના રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ત્યારે સરકારની ગાઈડલાઇન પ્રમાણે કોરોના દર્દીનો મૃતદેહ ઘરે કે વતનમાં નથી લઈ જ્વાતો.

ત્યારે તમામ મૃતદેહની અંતિમક્રિયા દાહોદના સ્મશાનમાં કરવામાં આવે છે. આવા કપરા સમયમાં વધુ સંખ્યામાં પરિવારજનો પણ નજીક આવતા ડરે છે અને ગણતરીના સ્વજનો સ્મશાને પહોંચે છે. ત્યારે લાકડા એકઠા કરવાથી લઈને ચિતા ધોઈ ફરીથી તૈયાર કરવા માટે માણસો નથી હોતા. પહેલા  દાહોદના સ્મશાનમાં એકમાત્ર ચોકીદાર બધી કામગીરી કરતો હતો. પરંતુ દિવસે દિવસે મૃતદેહોની સંખ્યા વધતાં પહોચી નથી વળાતું.

ત્યારે શહેરના ઘાંચીવાડા વિસ્તારના મુન્નાભાઈ સહિત  યુવાનો આગળ આવ્યા અને સ્મશાનની તમામ કામગીરી કરવાની શરૂઆત કરી. ત્યાર પછી ગૌ રક્ષક સેવા સમિતિના સભ્યો સ્થાનિક નગરસેવક લલિત પ્રજાપતિ તેમની ટીમ સાથે જોડાયા અને હાલ હિન્દુ-મુસ્લિમ બંને સમાજના ૩૦-૪૦ યુવકો આખો દિવસ સ્મશાન ઉપર ખડેપગે રહી અંતિમક્રિયાની નિસ્વાર્થ  સેવામાં જોડાઈ કોમી એકતાનું અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(7:28 pm IST)