Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

વાસદ પોલીસે ટોલનાકા નજીક વાહન ચેકીંગ હાથ ધરી 4.82 લાખના વિદેશી દારૂ ભરેલ પીકઅપ ગાડીને ઝડપી પાડી

 

વાસદ : શહેર પોલીસે આજે ટોલનાકા પાસેથી વાહન ચેકીંગ ઝુંબેશ દરમ્યાન ૪.૮૨ લાખનો વિદેશી દારૂ ભરેલી પીકઅપ ગાડીને ઝડપી પાડીને કુલ ૫.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર વાસદ પોલીસ ટોલનાકાએ વાહનો ચેક કરી રહી હતી ત્યારે આણંદ તરફથી એક બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે-૦૧, ડીવાય-૮૫૦૨ની આવી ચઢતાં પોલીસે તેને અટકાવી હતી. અને પાછળના ભાગે તપાસ કરતાં ઘઉંનું કુવડ ભરેલ કોથળાઓ હતા. જો કે ડ્રાયવર એકદમ ઉતરીને ભાગ્યો હતો. જ્યારે ક્લીનર ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે તપાસ કરતાં કોથળાની આડમાં વિદેશી દારૂની પેટીઓ ગોઠવેલી મળી આવી હતી.

જેથી પકડાયેલા ક્લીનરનું નામઠામ પુછતાં તે મુકેશભાઈ સુખલાલ ડાંગી (રે. ખેમલી, રાજસ્થાન)નો તેમજ ફરાર થઈ ગયેલો ડ્રાયવર ગોપાલભાઈ ડાંગી (રે. ગસા, રાજસ્થાન)ના હોવાનું જણાવ્યું હતુ. પોલીસે તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂની ૪૮૦ બોટલો મળી આવી હતી. જેની કિંમત ૪.૮૨ લાખ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે બોલેરો, બે મોબાઈલ, રોકડા ૩૬૦૦ સહિત કુલ ૫.૯૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલા મુકેશભાઈની પુછપરછ કરતાં આ વિદેશી દારૂ ભરેલી બોલેરો ઈશ્વરસિંહ જુજારસિંહ ભાટી (રે. સમુમવર, ઉદેપુર, રાજસ્થાન)એ પાલનપુર ટોલ પાસ કરીને આપી હતી અને વડોદરા જઈને ફોન કરવા જણાવ્યું હતુ. આ કબુલાતના આધારે પોલીસે ત્રણેય વિરૂધ્ધ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(5:17 pm IST)