Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ઓકિસજન સિલિન્ડર પર લગાવાતા ફલો મીટર, રેગ્યુલેટરની અછત

કોરોનાની સારવારમાં ઓકિસજનની અછત વચ્ચે ઈન્ડસ્ટ્રીયલ સિલિન્ડરનો વપરાશ શરૂ થયા બાદ ફ્લો મીટર અને ગેસ પ્રેસર રેગ્યુલેટરની તંગી શરૂ થઈ : ઈન્ડસ્ટ્રીયલ સિલિન્ડરનો વપરાશ શરૂ થતાં ભારે તંગી શરૂ : ૮૦૦માં મળતા ફ્લો મીટરનો ભાવ ૨૦૦૦ સુધી પહોંચી ગયો : બજારમાં રૂ.૧૦૦૦માં મળતા રેગ્યુલેટરના ભાવ ૩૦૦૦ થયા : ઈન્ડસ્ટ્રીયલ સિલિન્ડર રિફીલિંગના ભાવ પણ થયા બમણા

અમદાવાદ, તા.૨૪: કોરોનાની મહામારીમાં દર્દીઓ તથા હોસ્પિટલોને ઓકિસજનનો જથ્થો મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. અમદાવાદમાં કોરોનાનો કેસો વધતા જોઈ હોસ્પિટલોમાં ઓકિસજન બેડો ખૂટ ગયા છે, જેના પગલે લોકો પોતાની રીતે ઘરે ઓકિસજનના બાટલા લાવીને દર્દીઓે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બધા વચ્ચે ઓકિસજનના બાટલાની ઉપર લગાવવામાં આવતા ફ્લો મીટર અને ગેસ પ્રેસર રેગ્યુલેટરની બજારમાં ભારે તંગી ઉભી થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ મેડિકલ ઓકિસજનની સાથે ઈન્ડસ્ટ્રીયલ ઓકિસજનનો પણ વપરાશ કોરોનાના દર્દીઓ માટે થવા લાગતા આ સ્થિતિનું નિર્માણ થયું છે.

આંકડા મુજબ હાલ અમદાવાદમાં એકિટવ કેસોની સંખ્યા ૩૫ હજારથી પણ વધારે છે. શહેરની તમામ હોસ્પિટલોમાં બેડ મળવા મુશ્કેલ બન્યા છે, લોકો હોસ્પિટલમાં દાખલ થવા માટે મથી રહ્યા છે પરંતુ બેડ મળી રહ્યા નથી. સૌથી ખરાબ સ્થિતિ ઓકિસજનની જરૂરિયાત ધરાવતા દર્દીઓની થઈ રહી છે. તેમને ઓકિસજન મળતો ન હોવાથી દ્યણા કિસ્સામાં ઓકિસજનના અભાવે દર્દીઓના મોત થઈ રહ્યા છે.

ઓકિસજનની અછત સર્જાતા હવે ઈન્ડસ્ટ્રીયલ ઓકિસજનનો કોરોનાની સારવાર માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે, આ ઓકિસજનના બાટલા દર્દીઓ માટે ત્યાં સુધી કામના નથી જયાં સુધી તેની પર ફ્લો મીટર અને ગેસ પ્રેસર રેગ્યુલેટર લગાવવામાં ન આવે. હાલ ઈન્ડસ્ટ્રીયલ સિલિન્ડરોનો પણ સારવારમાં ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હોવાથી બજારમાં ફ્લો મીટર અને ગેસ પ્રેસર રેગ્યુલેટરની તીવ્ર તંગી વર્તાઈ રહી છે.

મળતી માહિતી પ્રમાણે ફ્લો મીટર અને રેગ્યુલેટરની તંગીના પગલે જે લોકો પાસે તેનો સ્ટોક છે તેમણે પણ ભાવ વધારી દીધા હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ ફ્લો મીટર બજારમાં ૮૦૦ સુધીમાં મળતા હતા પરંતુ હવે તેનો ભાવ ૨૦૦૦ સુધી પહોંચી ગયો છે. આ જ રીતે પ્રેસર રેગ્યુલેટર જે બજારમાં ૧૦૦૦ સુધી મળતા હતા તે હવે ૩૦૦૦ સુધી પણ મળી રહ્યા નથી.

ઓકિસજનની અછત થતા ઈન્ડસ્ટ્રીયલ સિલિન્ડર રિફીલિંગના ભાવો પણ ભડકો થયો છે. અત્યાર સુધી ઈન્ડસ્ટ્રીયલ રિફીલિંગ માટે ૨૫૦ જેટલો ભાવ લેવામાં આવતો હતો. જો કે, હવે તે વધીને ૫૦૦ સુધી પહોંચી ગયો છે. ઉપરાંત અમુક જગ્યાએ તો તેના કરતા વધુ ભાવ લેવામાં આવી રહ્યા છે. અમદાવાદના લોકોને રિફીલિંગ માટે પણ કઠવાડા સુધી લાંબા થવું પડતું હોવાનું પણ જાણવા મળ્યું છે.

(3:43 pm IST)