Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ધોરણ ૯ અને ૧૧માં ૭૦ માકર્સના આધારે પરિણામ તૈયાર થશે

ધોરણ ૧થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતીઃ ત્યારબાદ હવે માર્કશીટ તૈયાર કરવા અંગેની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે : ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને ૭૦ માકર્સમાંથી પરિણામ આપવામાં આવશે. : પરીક્ષામાં પાસ થવા માટે ખૂટતા માર્ક સિદ્ઘિ ગુણ અને કૃપા ગુણ આપીને પૂર્ણ કરાશે. : આચાર્ય મહત્તમ ૧૦ કૃપા ગુણ આપી શકે તે જોગવાઈ આ વર્ષ પૂરતી રદ કરવામાં આવી છે.

અમદાવાદ, તા.૨૪: ગુજરાતમાં કોરોના મહામારીના પગલે ફરી એકવાર સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. મે મહિનામાં યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ધોરણ ૧થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ હવે માર્કશીટ તૈયાર કરવા અંગેની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓની ૫૦ ગુણની પ્રથમ કસોટી અને ૨૦ ગુણ આંતરિક મૂલ્યાંકનના મળીને કુલ ૭૦ માકર્સને આધારે પરિણામ તૈયાર કરવામાં આવશે. પરીક્ષામાં પાસ થવા માટે ખૂટતા માર્ક સિદ્ઘિ ગુણ અને કૃપા ગુણ આપીને પૂર્ણ કરાશે. આચાર્ય મહત્તમ ૧૦ કૃપા ગુણ આપી શકે તે જોગવાઈ આ વર્ષ પૂરતી રદ્દ કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીને પાસ થવા માટે ખૂટતા ગુણ આચાર્ય કૃપા ગુણ તરીકે આપી શકશે.

ધોરણ ૯ અને ૧૧દ્ગક્ન વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ શિક્ષણ બોર્ડે પરિણામ તૈયાર કરવા માટે માપદંડ નક્કી કર્યા હતા. શાળાઓ દ્વારા પ્રથમ પરીક્ષા લેવાઈ છે, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા લેવાઈ શકી નથી. એવામાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકન માટે સામાયિક કસોટીના ૧૦ ગુણ, નોટબુક સબમિશનના ૫ ગુણ, સબ્જેકટ એનરિચમેન્ટ એકિટવિટીના ૫ ગુણ એમ કુલ ૨૦ ગુણ નક્કી કરવામાં આવ્યા છે. આ મુજબ શાળાઓ દ્વારા આંતરિક મૂલ્યાંકનનું ગુણાકન કરવાનું રહેશે.

ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહ માટે ટર્મ પેપર-સ્વાધ્યાયના ૧૦ ગુણ, પુસ્તકાલયમાંથી ઉપયોગી પુસ્તકના અવલોકનના ૫ ગુણ અને પ્રોજેકટ્સના ૫ ગુણ મળીને ૨૦ ગુણનું ગુણાંકન કરવાનું રહેશે. આમ પરિણામ તૈયાર કરવા માટે પ્રથમ પરીક્ષાના ૫૦ ગુણ અને આંતરિક મૂલ્યાંકનના ૨૦ ગુણ એમ કુલ ૭૦ ગુણની પરીક્ષાઓ યોજાયેલી છે. આ ૭૦ ગુણમાંથી મેળવેલા ગુણને ૧૦૦ ગુણમાં રૂપાંતરિત કરીને પરિણામ તૈયાર કરવાનું રહેશે. જેથી વિદ્યાર્થીને રૂપાંતરિત થયા બાદ વિષયમાં ૩૩ કરતા વધુ ગુણ આવે તો તેને પાસ જાહેર કરાશે પરંતુ ૩૩ કરતા ઓછા ગુણ હોય તો દરેક ટકા દીઠ ૧ ગુણ તેમ વધુમાં વધુ ૧૫ ગુણની મર્યાદામાં રહીને પાસ થવા માટે ખૂટતા ગુણ આપી શકાશે. આવો લાભ એક કે વધુ વિષયમાં આપી શકાશે. માર્કશીટમાં તે વત્ત્।ા કરી અલગથી દર્શાવવાના રહેશે. આમ, સિદ્ઘિ ગુણ મેળવનાર વિદ્યાર્થી રેન્કને પાત્ર રહેશે પરંતુ તે કુલ ગુણની ગણતરીમાં લેવાશે નહીં.

સિદ્ઘિ ગુણ પછી પણ વિદ્યાર્થી પાસ ના થાય તો તેને ઉપલા ધોરણમાં બઢતી માટે ખૂટતા જરૂરી માકર્સ શાળાના આચાર્ય કૃપા ગુણ કરીકે આપી શકશે. નિયમ મુજબ આચાર્ય વધુમાં વધુ ૧૦ કૃપા ગુણ આપી શકે છે પરંતુ ૨૦૨૦-૨૧ માટે કૃપા ગુણની મર્યાદા રદ્દ કરવામાં આવી છે. જેથી આચાર્ય ખૂટતા હોય તેટલા કૃપા ગુણ આપી શકશે.

આ કૃપા ગુણ અલગથી દર્શાવવાના રહેશે. જે વિષયોની પરીક્ષા વર્ષમાં એક જ વાર લેવાતી હોય અને આ વખતે નથી લેવાઈ તે વિષયના આંતરિક ૨૦ ગુણને ૧૦૦માં રૂપાંતરિત કરીને ગ્રેડ તરીકે દર્શાવાના રહેશે.

(10:10 am IST)