Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કોરોના દર્દીની સારવાર માટે રેમડેસીવીર ની ઉપયોગીતા જ નથી તેવા રાજ્યના આરોગ્ય સચિવ ડો. જયંતિ રવીના નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો : કોંગ્રેસ ની તીખી પ્રતિક્રિયા

સરકારની નિષ્ફળતા ઢાંકવા રેમડેસીવીર નો ખોટો પ્રચાર કરી મેડિકલ ફેકલ્ટીને બદનામ ન કરી શકાય.. : અમિત ચાવડા, ડો. હેમાંગ વસાવડા

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસોએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રોજેરોજ કેસોમાં વધારો થતો જાય છે. તેની સાથે બેડ, ઓક્સિજન તથા રેમડેસીવીર ઇન્જેકશનની બૂમરેગ ઉઠતી જાય છે. આવા સમયે ગઇકાલે ગુરૂવારે સરકાર દ્વારા નિયુક્ત ટાસ્ક ફોર્સ કમિટીના સભ્ય તથા ખુદ રાજયના આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ રેમડેસીવીર ઇન્જેંકશનને લઇને પોતાનું નિવેદન આપ્યું હતું. આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડયાં છે.

આ નિવેદન અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ તીખી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી ટાસ્ક ફોર્સ કમિટી સરકારનું માઉર્થોગન બની ગઇ હોવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં પરંતુ રેમડેસીવીરની ઉપયોગીતા જ નથી તેનો પ્રચાર કોના ઇશારે કર્યો છે તેવો સીધો આરોપ લગાવ્યો છે. એટલે સુધી કહ્યું છે કે છ જણાં સિવાયના ગુજરાતના ડોકટરો મૂર્ખ છે, સરકારની નિષ્ફળતાંને ઢાંકવા આખીય મેડિકલ ફેકલ્ટીને બદનામ કરી રહ્યાં છો તેવો પણ આક્ષેપ કર્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા તથા ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, સરકારના ચા- બિસ્ક્રીટ ખાઇને આ તબીબો મેડિકલ સાયસન્સને તોડી મરોડીને રજૂ કરી રહ્યાં છે. છ જણાં સિવાયના ડોકટરો ગુજરાતભરમાં મૂર્ખ છે ? રેમડેસીવીરની ભયંકર તંગી છે ત્યારે રેમડેસીવીરની ઉપયોગીતા જ નથી તેનો પ્રચાર કોના ઇશારે કર્યો છે ?

તેઓએ વધુમાં એવો પણ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, સરકારની નિષ્ફળતાં ઢાંકવા આખી મેડિકલ ફેકલ્ટીને બદનામ કરી રહ્યા છો ? શું ગુજરાતના ડોકટરોને રેમડેસીવીર કયારે વપરાય છે તે ખબર નથી ? ગુજરાતમાં રેમડેસીવીરનો ઓવર યુઝ શેને લીધે થાય છે તેનો આપે અભ્યાસ કર્યો છે, સરકાર દ્વારા જાહેર થતાં આંકડા કરતાં કોરોનાનો કેસ ઘણાં વધારે છે તે સત્ય સ્વીકારીને યુઝ ગણશો તો સમજાશે કે રેમડેસીવીરનો યુઝ અન્ડર યુઝ છે અને ઘણાં દર્દીઓ રેમડેસીવીરથી વંચિત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોવિડના વધતાં જતાં કેસોમાં સરકારને માર્ગદર્શન તથા સલાહ સૂચન માટે રાજયની સરકારી અને ખાનગી ક્ષેત્રના નિષ્ણાંત તબીબોની ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. આ કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞ ડૉકટર્સનો અવારનવાર મીડિયા સાથે વાર્તાલાપ કરવામાં આવતો હોય છે.

ગઇકાલે ગુરુવારે પણ ટાસ્ક ફોર્સના તજજ્ઞ ડૉકટર્સનો ગાંધીનગર ખાતે મીડીઆ સાથે વાર્તાલપ કરવામાં આવ્યો હતો. જેમાં રાજયના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, WHO દ્વારા કહેવાયું છે કે, કોવિડની સારવારમાં રેમડેસીવીર ઇન્જેંકશન એટલું અસરકારક સાબિત થયું નથી. એટલે સારવાર માટે ડોકટરની સલાહ મુજબ જ દર્દીઓએ ઇન્જેકશનનો ઉપયોગ કરવો હિતાવહ છે.

જયારે ઝાયડસ કેડિલના ડાયાબિટિયોલોજિસ્ટ ડો. વી.એન. શાહે જણાવ્યું હતું કે, આજે પણ કોરોના વાયરસ સામે કોઈ પ્રસ્થાપિત દવા દુનિયામાં ઉપલબ્ધ નથી. પહેલા હાઈડ્રોક્લોરોક્સિક્વિનની ખુબ માંગ હતી. ત્યારબાદ ટોસિલિઝુમેબ અને હવે રેમડેસિવિરની માંગ ખુબ વધી છે પણ એ ભૂલવું ન જોઇએ કે આ કોઈ જ કોરોનાની દવા નથી અને તેની ઘણી આડઅસરો પણ છે.

રેમડેસિવિર ડ્રગ ઓફ ચોઇસ નથી એમ તેમણે ઉમેર્યું હતું. રેન્ડમલી દવાઓ લેવાથી શરીરમાં વધુ નુકસાન થાય છે. દર્દીઓ જાતે કોઇ દવા માટે અને ઓક્સિજન માટે દોડાદોડી કરે પણ સંગ્રહ કરે તે યોગ્ય નથી માત્ર નિષ્ણાંત તબીબના માર્ગદર્શન સલાહ પ્રમાણે જ દવા ઈલાજ થવો જોઈએ.

(8:40 pm IST)