Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ગુજરાતમાં ૬૪.૧૧ ટકા મતદાન નોંધાયું છે : પંચ

ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર આંકડા જારી કરાયા : વલસાડમાં સૌથી વધુ ૭૫.૨૧ ટકા મતદાન : બારડોલી, ભરુચ, છોટાઉદેપુરમાં ૭૦ ટકાથી ઉંચુ મતદાન નોંધાયું

અમદાવાદ, તા. ૨૪ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ગઇકાલે ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. મતદાનને લઇને પ્રથમ દિવસે આંકડાઓ મામલે ભારે ચર્ચા રહી હતી. આજે બુધવારના દિવસે ચૂંટણી પંચે સત્તાવાર આંકડા ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ સીટ પર ક્યાં કેટલું મતદાન થયું તેને લઇને આંકડા જારી કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે આજે જાહેરાત કરી હતી કે, વલસાડમાં સૌથી વધારે ૭૫.૬૧ ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછુ મતદાન પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છમાં નોંધાયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ૬૦ ટકાથી વધુ મતદાન થયું છે પરંતુ ગરમીના કારણે કેટલીક જગ્યાએ મતદાન ઉપર માઠી અસર થઇ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ગુજરાતમાં લોકસભાની ૨૬ સીટ પૈકી મતદાનની ટકાવારી ૬૪.૧૧ ટકા રહી છે. મતદાનની આ ટકાવારીને જાણકાર લોકો ખુબ યોગ્ય ગણાવી રહ્યા છે. એકબાજુ જ્યાં ઉંચુ મતદાન થયું છે ત્યાં પણ આંકડાઓને લઇને દુવિધા હતી જે આજે દૂર કરવામાં આવી હતી. સૌથી વધારે મતદાન વલસાડમાં ૭૫.૨૧ ટકા થયું છે. ૭૦ ટકાથી વધુ મતદાન જ્યાં થયું છે તેમાં છોટાઉદેપુર, ભરુચ, બારડોલનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર રાજકીય પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવ્યા છે. ગઇકાલે મતદાનની સાથે જ લોકસભાની ૨૬ બેઠકોના ૩૭૧ ઉમેદવારો અને વિધાનસભાની ચાર બેઠકોના ૪૫ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થયા હતા. સમગ્ર મતદાન દરમ્યાન ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં સ્વાભાવિક ઉત્તેજના અને ઉત્સાહ છવાયેલો જોવા મળ્યો હતો. રાજ્યનાં અનેક સ્થળોએ ઈવીએમ ખોટવાયાં હોવાની ઘટનાને બાદ કરતાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન સાથે લોકશાહીના મહાપર્વની પ્રક્રિયા સંપન્ન થઇ હતી. ગઇકાલે રાજયમાં શહેરી વિસ્તારની સરખામણીએ રાજયના ગ્રામ્ય વિસ્તારમાં એકંદરે વધુ અને ઉત્સાહભર્યુ મતદાન જોવા મળ્યું હતું. જેને લઇ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પણ એક તબક્કે આશ્ચર્યમાં મૂકાયા હતા. ગરમીના પ્રકોપના કારણે બપોરના સમયે મતદાનની ગતિ ધીમી પડયા બાદ સાંજે ચાર વાગ્યા પછી ફરી એકવાર મતદાનમાં ભારે ધસારો જોવા મળ્યો હતો અને છેલ્લા બે કલાકમાં ઉંચુ મતદાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં તળાજાના ધારડી ગામે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તો, ડાંગના દાવદહાડ અને ધુબડીયા ગામના મતદારોએ પણ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. વલસાડના ધરમપુરમાં બોગસ મતદાન થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ગઇકાલે લોકસભાની ચૂંટણી માટે શાંતિપૂર્ણરીતે મતદાન પૂર્ણ થતાંની સાથે જ ગુજરાતમાં એક તબક્કામાં જ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી જ્યારે દેશના અન્ય ભાગોમાં હજુ ચાર તબક્કાની ચૂંટણી બાકી છે. ૨૩મી મેના દિવસે ગુજરાત સહિત તમામ રાજ્યોમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે.

ગુજરાતમાં મતદાન.....

ચૂંટણી પંચે આંકડા જારી કર્યા

અમદાવાદ, તા. ૨૪ : ગુજરાતમાં લોકસભાની ૨૬ સીટ માટે ૨૩મી એપ્રિલના દિવસે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. ક્યા કેટલા ટકા મતદાન થયું તેનો આંકડો આજે ચૂંટણી પંચ દ્વારા જારી કરાયો હતો જે નીચે મુજબ છે.

કચ્છ......................................................... ૫૮.૨૨

બનાસકાંઠા................................................ ૬૪.૬૯

પાટણ....................................................... ૬૧.૯૮

મહેસાણા................................................... ૬૫.૩૭

સાબરકાંઠા................................................. ૬૭.૨૪

ગાંધીનગર................................................ ૬૫.૫૭

અમદાવાદ (પૂર્વ)...................................... ૬૧.૩૨

અમદાવાદ (પશ્ચિમ)................................... ૬૦.૩૭

સુરેન્દ્રનગર................................................ ૫૭.૮૫

રાજકોટ..................................................... ૬૩.૧૫

પોરબંદર.................................................. ૫૬.૬૯

જામનગર.................................................. ૬૦.૭૦

જુનાગઢ.................................................... ૬૦.૭૪

અમરેલી.................................................... ૫૫.૭૫

ભાવનગર................................................. ૫૮.૪૧

આણંદ...................................................... ૬૬.૬૯

ખેડા.......................................................... ૬૦.૬૮

પંચમહાલ................................................. ૬૧.૭૩

દાહોદ....................................................... ૬૬.૧૮

વડોદરા.................................................... ૬૭.૮૬

છોટાઉદેપુર............................................... ૭૩.૪૪

ભરુચ........................................................ ૭૩.૨૧

બારડોલી................................................... ૭૩.૫૭

સુરત........................................................ ૬૪.૪૧

નવસારી.................................................... ૬૬.૧૦

વલસાડ.................................................... ૭૫.૨૧

કુલ........................................................... ૬૪.૧૧

(9:52 pm IST)