Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

આરટીઇ હેઠળ રાજયમાં આ વર્ષે ૧ લાખ બાળકોને પ્રવેશ

પ્રવેશ અંગેની પીઆઇએલમાં સરકારનો જવાબ : સરકાર પ્રવેશ સંબંધી શું પગલાં લઇ રહી છે તે સહિતની વિગતો રજૂ કરવા નિર્દેશ : ૨૬મીએ સુનાવણીે હાથ ધરાશે

અમદાવાદ,તા. ૨૪ : આરટીઇ (રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ)હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ આપવા મામલે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. સરકાર દ્વારા પોતાના જવાબ મારફતે સ્પષ્ટ કરાયું હતું કે, આરટીઇ હેઠળ આ વખતે નવા શૈક્ષણિક વર્ષમાં ૧.૧૭ લાખ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. આરટીઇ અંગે જાગૃતિ લાવવા માટે બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. આ જવાબ બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને સરકાર જે પગલાં લઈ રહી છે તે અંગે સોગંદનામું કરવા આદેશ કર્યો છે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૨૬ એપ્રિલે મુકરર કરી હતી. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે તા.૨૫ એપ્રિલના રોજ રાજ્યભરના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેના ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થશે. ત્યારબાદ તા.૬ મેના રોજ પ્રવેશની પ્રથમ યાદી બહાર પાડવામાં આવશે. ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે અરજી કરનારા બાળકોની કેટેગરી વાઈઝ પ્રવેશ યાદી જાહેર કરાશે. જે વિદ્યાર્થીને આરટીઈ અંતર્ગત પ્રવેશ મળશે, તે વિદ્યાર્થીઓએ એડમિશન કન્ફર્મ કરાવવું પડશે. જો વિદ્યાર્થીના વાલીઓ એડમિશન કન્ફર્મ નહીં કરાવે તો, તે વિદ્યાર્થીનું એડમિશન રદ કરી દેવાશે.

(9:49 pm IST)