Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

મત મશીનની સુરક્ષા માટે ત્રિસ્તરીય યોજના, દરેક કેન્દ્રમાં CRPFના ૧૦૦ જવાનો ખડે પગે

મત ગણતરી સ્થળનો સમગ્ર વિસ્તાર અત્યારથી જ કેમેરાના કવરેજમાં : સ્થાનિક પોલીસ અને રાજ્યની પોલીસ પણ બંદોબસ્તમાં: વીજળીના ફયુઝ હટાવાયાઃ કોઈને પ્રવેશ નહિ : બુથ કબજે કરવાની ઘટના ભૂતકાળ બનીઃ કયાંય ફેર મતદાનની જરૂર નહિઃ મત મશીનમાં ગરબડ જણાય તો પડકારીને 'ચેલેન્જ વોટ' આપવાનો એક પણ બનાવ નહિ

રાજકોટ, તા. ૨૪ :. ગુજરાતમાં લોકસભાની ૨૬ અને ધારાસભાની ૪ બેઠકો માટે ગઈકાલે મતદાન પ્રક્રિયા પુરી થયા બાદ આજે વહેલી સવાર સુધીમાં તમામ મત વિસ્તારમાંથી વીવીપેટ અને ઈવીએમ મત ગણતરી સ્થળે સ્ટ્રોંગ રૂમમાં પહોંચી ગયા છે ત્યાં ચકલુય ન ફરકી શકે તેવો ત્રિસ્તરીય બંદોબસ્ત ગોઠવાયો છે. રાજ્યમાં ૨૬ લોકસભા બેઠકોની મત ગણતરી ૨૭ સ્થાનો પર (આણંદમાં બે સ્થળે) થનાર છે. દરેક મત ગણતરી સ્થળની ૨૦૦ મીટર આસપાસનો વિસ્તાર સીસીટીવી કેમેરાના કવરેજમાં સમાવી લેવામાં આવ્યો છે. જેના પર ચૂંટણી પંચની સીધી દેખરેખ રહેશે.

ચૂંટણી પંચના વર્તુળોના જણાવ્યા મુજબ દરેક મત ગણતરી સ્થળે ઈવીએમ અને વીવીપેટ પહોંચ્યા પછી દરવાજા સીલ કરી દેવામાં આવ્યા છે. આગ લાગવા જેવી કોઈ ઘટના ન બને તે માટે જે તે કેન્દ્રમા જ્યાં મશીન રાખવામાં આવ્યા છે તે તમામ રૂમના વીજળીના ફયુઝ ખેંચી વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. બારીની જગ્યાએ ચણતર કરી લેવામાં આવ્યુ છે. સ્ટ્રોંગ રૂમની સૌથી નજીક કેન્દ્રીય અનામત પોલીસ દળના લગભગ ૧૦૦ - ૧૦૦ જવાનોને ફરતી બાજુ સુરક્ષા જવાબદારી સોંપવામાં આવી છે. ત્યાર બાદ રાજ્યની હથીયારધારી પોલીસનો બંદોબસ્ત રહેશે. ૨૦૦ મીટર જ્યાંથી શરૂ થતા હોય તે ત્રિજ્યામાં સ્થાનિક પોલીસનો બંદોબસ્ત રહેશે. મત ગણતરી કેન્દ્રના સંકુલમાં ઉમેદવારના માન્ય પ્રતિનિધિને રહેવાની છૂટ આપવામાં આવે છે. સ્ટ્રોંગ રૂમની અંદર જવા માટે કોઈ અધિકૃત નથી.

ચૂંટણી પંચના વર્તુળોએ એવુ જણાવેલ કે, સમગ્ર મતદાન પ્રક્રિયા કોઈ અનિચ્છનીય ઘટના વગર પાર પડી છે. ૬૪ ટકા જેટલુ મતદાન થયુ તે લોકસભાની ચૂંટણીની દ્રષ્ટિએ રાજ્ય માટે અભૂતપૂર્વ છે. ઈવીએમ અને વીવીપેટ બગડવાની ફરીયાદો જ્યાં આવી ત્યાં બદલીને શકય તેટલુ ઝડપથી પુનઃ મતદાન શરૂ કરાવવાના પ્રયત્નો થયા હતા. કોઈ સ્થળેથી ફેર મતદાનની માંગણી કરવામાં આવી નથી. મતદારને મત આપ્યા પછી ઈવીએમ કે વીવીપેટમાં કંઈ ગરબડ જણાય તો સ્થળ પર ફરજ પરના અધિકારીને ફરીયાદ કરી પડકારી શકે તેવી જોગવાઈ છે. તેના માટે ફરીયાદીએ પોતાની ફરીયાદ ખોટી સાબિત થાય તો કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા તૈયાર હોવાનું એફીડેવીટ કરવુ પડે છે. નિયમ મુજબની પ્રક્રિયા પુરી થયા પછી જવાબદારોની હાજરીમાં ટેસ્ટ વોટ આપવામાં આવે છે તેના આધારે ફરીયાદની ખરાઈ કરવામાં આવે છે. ગઈકાલે ગુજરાતમાં ટેસ્ટ વોટનો પ્રયોગ કરવો પડે તેવો એક પણ બનાવ બન્યો નથી.

(3:52 pm IST)