Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ગુજરાતમાં મતદાન ઉત્સાહ

બપોરે ગરમીના કારણે મતદાન ઠંડુ જોવા મળ્યું

અમદાવાદ, તા. ૨૩ : ગુજરાતમાં ત્રીજા તબક્કાની ર૬ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણીમાં આજે ઉનાળાની ગરમીના પ્રકોપ, થોડી નિરૂત્સાહતા અને છેલ્લા બે કલાકમાં ભારે ધસારા બાદ એકંદેર શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું હતું. ગુજરાતમાં આજે સરેરાશ ૬૨.૪૮ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ મતદાન વલસાડ ખાતે ૭૪.૦૯ ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જયારે સૌથી ઓછુ મતદાન અમરેલી ખાતે ૫૩.૭૫ ટકા જેટલું નોંધાયું હતું.

બપોરે ગરમીના કારણે મતદાન ઠંડુ : છેલ્લા બે કલાકમાં ઉંચી ટકાવારી

         ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણી માટે સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. રાજ્યમાં ૪.૫૧ કરોડ મતદારો માટે ઉભા કરવામાં આવેલા ૫૧,૮૫૧ મતદાન કેન્દ્રો પર મતદાન નોંધાયું હતું. પ્રથમ ૬ કલાકમાં રાજ્યની તમામ બેઠકો પર સરેરાશ ૪૦ ટકા મતદાન થયું હતુ. સાંજે ૩-૩૦ વાગ્યા સુધીમાં સરેરાશ પ૦ ટકા સુધીનું મતદાન નોંધાયું હતું. બપોરના સમયે ગરમીના પ્રકોપ વચ્ચે મતદાનની પ્રક્રિયા ધીમી રહી હતી પરંતુ ચાર વાગ્યા પછી મતદાનમાં ભારે ગતિ અને તેજી નોંધાઇ હતી. મતદારોનો ધસારો ચાર વાગ્યા પછી મતદાન મથકોએ સારો એવો નોંધાયો હતો અને તેથી છેલ્લા બે કલાકમાં મતદાનની ટકાવારી ફરી પાછી ઉંચી નોંધાઇ હતી.  સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૫૪ ટકા જેટલું મતદાન નોંધાયું હતુ અને છેલ્લા કલાકમાં એટલે કે, સાંજે છ વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી ૬૦ ટકાને પાર કરી ગઇ હતી. છેલ્લા કલાકમાં ઉંચુ મતદાન નોંધાયું હતું.

ચાર ગામમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર

         લોકસભાની આજની ચૂંટણી અને મતદાન વચ્ચે રાજયના કેટલાક ગામો અને પંથકો એવા પણ હતા કે, જયાં મતદારોએ સરકારના સત્તાધીશોની નિષ્ફળતા સામે ઉગ્ર આક્રોશ વ્યકત કરી મતદાનનો બહિષ્કાર કર્યાે હતો. રાજયના ચાર ગામોમાં મતદારોએ મતદાનનો બહિષ્કાર કરતાં ચૂંટણી તંત્ર અને અધિકારીઓ દોડતા થયા હતા. રસ્તા અને પાણી મુદ્દે ડાંગના બે ગામો દાવદહાડ અને ધુબડિયાના ગ્રામજનોએ મતદાન બહિષ્કાર કર્યો હતો. પ્રથમ ત્રણ કલાકમાં એકેય મત પડયો ન હતો. બપોર સુધી આ ગામના મતદાનમથકોએ ઝીરો ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે જામનગરના લાલપુર તાલુકાના ભણગોર ગામમાં પડતર પ્રશ્નોને લઈ ગ્રામજનોએ પણ મતદાનનો બહિષ્કાર કર્યો હતો, જેને પગલે સવારના ત્રણ કલાકમાં એક પણ મત ઇવીએમમાં આવ્યો ન હતો. જાફરાબાદ તાલુકાના સરોવડા પાણી અને રસ્તા મુદ્દે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો અને ૧૧ વાગ્યા સુધીમાં માત્ર બે જ મત પડ્યા હતાં.

હસમુખ પટેલ પોતાનો મત જાહેર કરી વિવાદમાં ફસાયા

         અમદાવાદ(પૂર્વ)ના ઉમેદવાર હસમુખ પટેલે અમદાવાદ(પશ્ચિમ)ના ઉમેદવાર ડો.કિરીટ સોલંકીને મત આપ્યાનું જાહેર કરતા મતદાનની ગુપ્તતાનો ભંગ થયો હતો. અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ વિવાદમાં ફસાતાં મામલો ગરમાયો હતો. પાછળથી તેમણે ભારે વિવાદ અને હોબાળો મચતાં ચૂંટણી આચારસંહિતા કે માર્ગદર્શિકાનો ભંગ કરવાનો તેમનો કોઇ ઇરાદો ન હતો પરંતુ ચૂંટણીના ઉત્સાહમાં તેમનાથી મત કોને આપ્યો તે જણાવી દેવાયું. જો કે, હસમુખ પટેલનો વિવાદ સમાચારમાં ચમકયો હતો.

કુંડારીયા અને વસોયાને મત આપ્યાનો વીડિયો વાયરલ

         લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાને ઈવીએમમાં બટન દબાવીને મત આપતો વીડિયો કોઈ અજાણ્યા શખ્સોએ વાયરલ કર્યો છે. જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. બીજી તરફ રાજકોટમાં મોહનભાઈ કુંડારિયાને મત આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જય કુબાવત નામના વ્યક્તિએ તે વીડિયો ટીકટોક પર મુક્યો હતો. જે આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બાબરાના વાવડી ખાતે કોંગ્રેસના મહિલા નેતા જેની ઠુંમરે મતદાન કર્યા બાદ પોતાની આંગળીમાં પંજાનું નિશાન બતાવ્યું હતું. તેની આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ હતી. મતદાન મથક બહાર આવી જેની ઠુંમરે આચારસંહિતો ભંગ કરતા ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી થવાની શકયતા છે.

મતદાન સંબંધિત વિગતો....

બપોરે ગરમીના કારણે મતદાન ઠંડુ જોવા મળ્યું

અમિત શાહે મતદાન બાદ કામેશ્વર મહાદેવના દર્શન કર્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને  દેશની હાઈપ્રોફાઈલ ગણાતી એવી ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહે આજે ૯.૩૦ વાગ્યે અંકુર ચાર રસ્તા પાસેની નારણપુરા સબ ઝોનલ ઓફિસ ખાતેના મતદાન મથક પર પરિવાર સાથે મતદાન કર્યું હતું.ત્યારબાદ અમિત શાહ પત્ની સોનલ શાહ, પુત્ર-પુત્રવધુ અને પૌત્રી સાથે અકુંરમાં આવેલા કામેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. શાહ ૧૦ મિનિટ સુધી મંદિરમાં રોકાયા હતા. ત્યારબાદ તેમણે લોકોને વિક્ટ્રી ચિન્હ બતાવ્યું હતું. અમિત શાહ અને તેના પરિવારજનોની હાજરી મંદિર પ્રાંગણમાં નોંધનીય બની રહી હતી

ગાંધીનગરમાં આંગળી પર સહી લગાડાય છેઃ સી.જે. ચાવડા

         ગાંધીનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાએ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં મતદારની આંગળી પર સહી લગાડી દેવામાં આવી હોવાની ફરિયાદ ચૂંટણીપંચને કરી છે. મતદાન પહેલાં મતદાન કર્યું હોવાની સહી આંગળી પર આગલા દિવસે લગાડી દેવા કેટલાક ચોક્કસ લોકો કાર્યરત થયાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.

વેજલપુર, જુહાપુરા સહિતના વિસ્તારમાં મતદાન સ્લીપ મળી નથી

         પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, વેજલપુર, જુહાપુરા, મક્તમપુરા, મકરબા વિસ્તારની અનેક સોસાયટી તથા વટવા સહિતના વિસ્તારમાં પણ મતદારોને મતદાર સ્લિપ મળી નથી. મતદારોએ ચૂંટણીપંચમાં વારંવાર વ્યક્તિગત રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર જવાબ મળ્યો નથી. મતદાર સ્લિપ સમયસર મતદાર સુધી પહોંચે તે જોવાની જવાબદારી ચૂંટણીપંચની છે. લોકશાહી પ્રણાલિ અને ચૂંટણી આચારસંહિતની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થયું નથી.

ખોખરાના કે.કા. શાસ્ત્રી મતદાન મથક પર મતદારોનો હોબાળો

         શહેરના ખોખરામાં આવેલા કે.કા. શાસ્ત્રી કોલેજના મતદાન મથક-૭માં ટેકનિકલ કારણસર મતદાન અધિકારીએ મતદાન રોકી રાખતાં મતદારોએ હોબાળો મચાવ્યો હતો, જોકે થોડીવાર બાદ મતદાન મથક-૭માં ફરીથી મતદાન શરૂ કરાયું હતું.

વિભાવરીબહેન દવે વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ

         રાજ્યના મંત્રી વિભાવરીબેન દવેએ ભાવનગરમાં મતદાન કર્યું હતું. મતદાન પહેલા લાઇનમાં ઉભે હતા ત્યારે મોદી હૈ તો મુમકિન હૈ અને વી ફોર મોદીના નારા લગાવ્યા હતા. આ પ્રકારના નારાથી ઉપસ્થિત સૌ કોઇ આશ્ચર્યચકિત બની ગયા હતા. ચૂંટણી આચારસંહિતાની માર્ગદર્શિકાનુ ઉલ્લંઘન કરાતાં કોંગ્રેસ દ્વારા મંત્રી વિભાવરીબહેન દવે વિરૂધ્ધ ચૂંટણી આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી હતી.  ચૂંટણીપંચના નિયમ મુજબ ૧૦૦ મીટરના વિસ્તારમાં કોને મત આપવો તેવી ચર્ચા કે નારા ન લગાવી શકાય. પરંતુ વિભાવરીબેન દવેએ ભાવનગરના હિલ ડ્રાઇવ ફૂલવાડી વિસ્તારમા આવેલા મતદાન મથકે મત આપવા ગયા હતા ત્યારે તેમણે નારા લગાવ્યા હતા. વિભાવરીબેન વિરૂદ્ધ આચારસંહિતાની ફરિયાદ નોંધાતાં સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. ૧૦૪ ભાવનગર પૂર્વ મત વિસ્તારમાં વિભાવરીબેન દવેએ મતદાન કર્યા બાદ બૂથ બહાર ભાજપ પક્ષના સમર્થનમાં સૂત્રોચ્ચાર પોકારતા કોંગ્રેસ દ્વારા તેમના વિરૂદ્ધમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે.

જમાલપુરમાં આખા પરિવારનું નામ મતદારયાદીમાંથી ગાયબ

         પશ્ચિમ લોકસભા બેઠક પર જમાલપુર વિસ્તારમાં મતદાર યાદીમાંથી આખા પરિવારનું નામ ગાયબ થઈ જતા તેઓ મતદાનથી વંચિત રહ્યા હતા. માત્ર એક જ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં જોવા મળતા તેઓ મત આપી શક્યા હતા. જમાલપુરના રહેવાસી અબ્દુલ રહેમાન પઠાણનો પરિવાર આજે સામુહિક મતદાન કરવા રાયખડની ગુજરાતી શાળામાં મત આપવા ગયા હતા. મતદાર યાદીમાં જોતા માત્ર અબ્દુલ પઠાણનું નામ યાદીમાં હતું જેથી તેઓ એકલા જ મત આપી શક્યા હતા બાકીના સભ્યો મતદાનથી વંચિત રહ્યા હતા. મતદાન ન કરી શકતા તેઓમાં નિરાશા વ્યાપી ગઈ હતી.

(10:07 pm IST)
  • મોદી બાયોપીકમાં વિપક્ષોને ખુબ નબળા ચિતરવામાં આવ્યા: ચુંટણીપંચે ૧૯મે સુધી આ ફિલ્મ ઉપર પ્રતિબંધની માંગણી કરી :ચુંટણીપંચે સુપ્રિમકોર્ટમાં રીપોર્ટ આવ્યો છે કે છેલ્લા તબકકાના મતદાન એટલે કે ૧૯ મેં સુધી મોદી બાયોપીક ઉપર પ્રતિબંધ ઇચ્છે છે, આ ફિલ્મ એક નેતાની જીવન કથની છેઃ આ ફિલ્મમાં રાજકીય પ્રતિનિધિઓનો પ્રશસ્તિ કરવામાં આવી છે. ચુંટણી પંચના રીપોર્ટમાં જણાવાયું છે કે બાયોપીકમાં વિરોધ પક્ષોને ખુબ જ નબળા ચિતરવામાં આવ્યા છે અને તેમની સામેના વ્યકિત ઉપર વધુ ઢળતા દેખા ડાયા છે access_time 3:59 pm IST

  • પ્રજ્ઞા ઠાકુરને ચુંટણી લડતા રોકવા માટેની માગણી એનઆઇએ કોર્ટે ફગાવી દીધી : ભોપાલથી ભાજપના ઉમેદવાર access_time 3:41 pm IST

  • શ્રીલંકાને ધણધણાવવા ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયેલ..: શ્રીલંકામાં અનેક વિસ્ફોટોની હારમાળા સર્જી સેંકડોના જીવ હરી લેવાના કાળમુખા બનાવમાં ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયો હતો : જેમાંથી ૮ને ઓળખી લેવાયાનું અને ૬૦ની ધરપકડ થયાનુ જાહેર થયુ છે : આ તમામ લોકો શ્રીલંકન નાગરીકો છે access_time 4:00 pm IST