Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

૧૦૦ યુવતી માટે જીવનમાં કંઇક કરી છૂટવાની ઇચ્છા છે

એમટીવી રોડીઝમાં અમદાવાદના વિદિતની પસંદગીઃ એમટીવી રોડીઝ શોમાં સીધો જર્ની રાઉન્ડમાં પહોંચનારો દેશનો પ્રથમ યુવક : અમદાવાદીઓ માટે ગૌરવની બાબત

અમદાવાદ,તા. ૨૪ : એમટીવી પરના સૌથી લોકપ્રિય શો રોડીઝમાં અમદાવાદના તેજસ્વી યુવક વિદિત શર્માનું સીલેકશન થયું છે. બે વર્ષ પહેલાં એક માર્ગ અકસ્માતમાં પોતાની સગી બહેનને ગુમાવનાર વિદિત શર્માએ હિંમત હાર્યા વિના આ ઘટનામાંથી પ્રેરણા મેળવી જીવનની દિશા બદલી હતી અને અનેક ક્ષેત્રોમાં સફળતાના પગરણ માંડયા હતા. જેમાં હવે તે એમટીવી પરના રોડીઝ શોમાં પદાર્પણ કરી રહ્યો છે. એમટીવી રોડીઝ શોમાં સીધો જ જર્ની રાઉન્ડમાં પહોંચનારો તે સમગ્ર ભારત દેશનો પ્રથમ યુવક છે, જે અમદાવાદીઓ માટે પણ ગૌરવની વાત છે. પોતાની સગીબહેનને ગુમાવનાર વિદિતે એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તે હવે તેની બહેનના નિધનને એળે જવા દેવા માંગતો નથી અને તેથી જ તે જીવનમાં ૧૦૦ જેટલી જરૃરિયાતમંદ યુવતીઓ માટે કંઇક કરી છૂટવાના ધ્યેય સાથે ઘરેથી નીકળ્યો છે. તે સમાજમાં અન્ય લોકોને પણ પ્રેરણા મળે તેવું કંઇક કરવા માંગે છે. વર્ષ ૨૦૧૬માં મીસ્ટર અમદાવાદનો ખિતાબ જીતનાર અને ટેલેન્ટેડ યુવક વિદિત શર્મા પંડિત દીનદયાળ ઉપાધ્યાય યુનિવર્સિટીમાંથી કેમીકલ એન્જિનીયરની ડિગ્રી હાંસલ કરી છે અને તે પણ રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના હસ્તે. એટલું જ નહી, દુબઇ ખાતે ગત વર્ષે એપ્રિલ-૨૦૧૭માં યોજાયેલી ઇન્ટરનેશનલ ઓઇલ એન્ડ ગેસ કોન્ફરન્સમાં સુપર આયર્નીક લીકવીડ વિષય પર પેપર રજૂ કરવા બદલ વિદિત શર્માને બેસ્ટ સ્પીકર અને બેસ્ટ રિસર્ચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એમ ટીવી રોડીઝ શોમાં જયાં પ્રવેશ મેળવવા માટે ગળાકાપ સ્પર્ધા અને ટેલેન્ટની જોરદાર હરિફાઇ હોય છે તેવામાં પોતે કેવી રીતે સફળ થયો તે અંગે વાત કરતાં એક ખાસ ઇન્ટરવ્યુમાં આ ટેલેન્ટેડ અમદાવાદી યુવક વિદિત શર્માએ જણાવ્યું હતું કે, તે તેની બહેન અને માતા-પિતા સાથે કારમાં જઇ રહ્યો હતો ત્યારે ગત તા.૬-૧૨-૨૦૧૫ના રોજ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં તેની એકની એક બહેનનું કરૃણ મોત નીપજયું હતુ. જેને પગેલ તે ઉંડા આઘાતમાં ગરકાવ થઇ ગયો હતો કારણે તે પોતે જ કાર ચલાવતો હતો. પરંતુ ધીરેધીરે તેણે આ આઘાતમાં બહાર આવવાનો પ્રયત્ન કર્યો અને તેની બહેન જેવી સમાજની અન્ય બહેનોને તે કેવી રીતે મદદરૃપ થઇ શકે અને તેમના માટે જીવનમાં શું કરી શકે તે વિચારો સાથે એક નવાધ્યેય સાથે જીવનમાં ઉભો થયો.

વિદિતે ઉમેર્યું કે, તે ગયા વર્ષે મિસ્ટર ઇન્ડિયાની સ્પર્ધામાં તે જયારે ટોપ ૨૫માં આવ્યો ત્યારે તેને ત્યાં જ સમાચાર મળ્યા કે, એમટીવી રોડીઝ શોનું ઓડિશન તા.૬-૧૨-૨૦૧૭ના રોજ થઇ રહ્યું છે. યોગાનુયોગ તેની બહેનનું  અકસ્માતમાં મૃત્યુ પણ તા.૬-૧૨-૨૦૧૫ના રોજ થયું હતુ, તેથી તેને સંકેત મળ્યો હતો કે, પોતાની બહેનની યાદમાં જીવનમાં કંઇક કરી બતાવવાની આ સોનેરી તક છે, તેથી મેં તેમાં એપ્લાય કર્યું અને ભારે મહેનત, બુધ્ધિચાતુર્ય અને હિમંતની સાથે સાથે નસીબના જોરે મને એમટીવી રોડીઝમાં પ્રવેશ મળ્યો. જેનો મને ઘણો આનંદ છે અને અમદાવાદી તરીકે પ્રવેશ મેળવવાનો ગર્વ છે. આટલી નાની ઉમંરમાં એક પછી એક અનેક સિધ્ધિઓ હાંસલ કરનાર વિદિતે તેની દિલની ઇચ્છા વ્યકત કરતાં તેણે જણાવ્યું હતું કે, તે તેની બહેનનીયાદમાં કંઇક કરવા માંગે છે અને તેથી, તે જીવનમાં જરૃરિયાતમંદ એવી ૧૦૦ યુવતીઓ કે છોકરીઓ માટે કંઇક કરવા માંગે છે, તેમના ઉત્કર્ષ માટે કે જેથી સમાજમાં અન્ય લોકો પણ તેની પ્રેરણા મેળવી શકે.

(10:08 pm IST)