Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

અમદાવાદમાં નંબર પ્લેટ વગરના સ્કુટર ચલાવતા ચાલકે પોલીસ કોન્સ્ટેબલને લાફા ઝીંકી દીધાઃ પોલીસ બંદોબસ્‍તમાં જવુ છે તેમ કહીને કોન્સ્ટેબલની તરીકે ખોટી ઓળખ પણ આપી

અમદાવાદઃ ફતેવાડી વિસ્તારમાં હના રેસિડન્સીમાં રહેતા ઇર્શાદભાઈ રઝાકભાઈ કારંજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગઈ કાલે સવારે તેમને કારંજ પોલીસ સ્ટેશનથી જણાવવામાં અાવ્યું હતું કે બપોરે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બંદોબસ્ત માટે જવાનું છે જેથી બપોરે ૧૨.૩૦ વાગ્યાની અાજુબાજુ પોતાનું બાઈક લઈ એલિસબ્રિજ જવા નીકળ્યા હતા.

જુહાપુરા ચાર રસ્તા પાસે તેઅો પહોંચ્યા ત્યારે ઇર્શાદભાઈ તરફની લાઈન ચાલુ હતી છતાં પણ એક એક્સેસ ચાલક જુહાપુરા શાક માર્કેટમાંથી અાવી અને રોડ ક્રોસ કરવા જતો હતો. દરમિયાનમાં એક્સેસ ચાલકે ઇર્શાદભાઈના બાઈક અાગળ એક્સેસ ઊભું રાખ્યું હતું. તેઅોઅે વાહનને હટાવવા માટે હાથથી ઇશારો કર્યો હતો.

જેથી એક્સેસ ચાલક ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરવા લાગ્યો હતો. ઇર્શાદભાઈઅે પોતાની કોન્સ્ટેબલ તરીકેની અોળખ અાપી બંદોબસ્તમાં જવું છે. મોડું થાય છે તેવું જણાવતાં ગાળો બોલી અને લાફા મારી દીધા હતા. જેના પગલે ઇર્શાદભાઈ અે પોલીસને જાણ કરતાં વેજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી અાવી હતી.

વેજલપુર પોલીસે ઇર્શાદભાઈની ફરિયાદના અાધારે અારોપી મોહમંદ ઇસ્માઈલ અબ્દુલ મલિક (રહે. સારણી કામદાર સોસાયટી, વેજલપુર)ની ધરપકડ કરી નંબર પ્લેટ વગરનું એક્સેસ પણ કબજે કર્યું હતું.

(6:00 pm IST)