Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

વલસાડ હોટલમાં જમવા આવેલ ધરમપુરના પાંચ યુવાનની કારને અકસ્માત નડતા ચાલક ઘટનાસ્થળેજ મોતને ભેટ્યો

વલસાડ: હોટલમાં જમવા માટે આવેલા ધરમપુરના પાંચ યુવાનોની કારને ધરમપુર રોડ પર અકસ્માત નડયો હતો. રસ્તા પર લડતી ગાયને બચાવવા જતાં કાર બાજુએ લેવા ગયા અને નિલગીરીના વૃક્ષ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે અન્યોને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

ધરમપુરના બજાર ફળિયામાં રહેતા કિંજલ કિશોરભાઇ પટેલ (ઉ.વ.૩૭), અભિ સંજય પટેલ, તેજસ રાજેશભાઇ મસરાણી, જીનિયસ સુધીરભાઇ દેસાઇ અને માનવ મનિષભાઇ કોટક રવિવારે રાત્રે વલસાડની હોટલમાં જમવા માટે આવ્યા હતા. વલસાડમાં જમ્યા બાદ તેઓ અર્ટીગા કાર (નં. જીજે ૧૫ સીડી ૭૦૨૦)માં સવાર થઇ પરત થઇ રહ્યા હતા. ત્યારે ધરમપુર નજીક રસ્તા પર લડતી ગાયને બચાવવા માટે ચાલક કિંજલ પટેલે કાર બાજુએ લીધી હતી પણ પુરપાટ ઝડપે ચાલતી કારના સ્ટીંયરીંગ પર આ સમયે તેનો કાબુ ન રહેતાં કાર રોડની બાજુના નિલગીરીના વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઇ હતી.

આ ગંભીર અકસ્માતમાં કિંજલ પટેલનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે અન્યોને નાની-મોટી ઇજા પહોંચતા પહેલાં ધરમપુર અને પછી જીનિયસ દેસાઇને વલસાડની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયો હતો. આ બનાવ સંદર્ભે ધરમપુરના પ્રિયાંક ઇશ્વરભાઇ પટેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

(5:53 pm IST)