Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

૧પ જુનથી ગુજરાતમાં મેઘરાજની પધરામણી

૧ જુને કેરળમાં ચોમાસુ બેસી જશેઃ અલ નીનોની અસર નથીઃ લા-નીનોના કારણે ચોમાસુ સમયસર અને સારું રહેશેઃ હવામાન વિભાગની આગાહીઃ ર૪ કલાકમાં કેરળ, પ. બંગાળ સહિતના વિસ્તારોમાં આંધી-તુફાનની આગાહીઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં લૂનો કહેર

નવી દિલ્હી તા. ર૪ :.. બળબળતા ઉનાળામાં હૈયે ટાઢક થાય તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. આ વર્ષે ૧ જુનથી કેરળમાં ચોમાસુ શરૂ થઇ જશે. ૧પ જુને ગુજરાતમાં મેઘ સવારીની પધરામણી થશે.

ઝી ન્યુઝ દ્વારા પ્રસારીત થયેલી હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોમાસાને અસર કરનાર પ્રશાંત મહાસાગરમાં કરન્ટ અનુકુળ છે. આ વર્ષે અલનીનોનો પ્રભાવ નહિ રહે, લીનીનો વર્ષના કારણે ચોમાસુ સમયસર અને સારું રહેશે.

આઇએમડી પ્રમુખ ડી. શિવાનંદ પઇના અનુમાન પ્રમાણે કેરળમાં ૧ જૂને ચોમાસુ પ્રારંભ થઇ જશે. દક્ષિણ ભારતના કર્ણાટક, આંધ્ર પ્રદેશ, સિક્કીમમાં પાંચમી જૂનથી ચોમાસુ સક્રિય થઇ જશે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, પ. બંગાળ, બિહારમાં ૧૦ જૂને ચોમાસુ બેસશે. જયારે ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં ૧પ જુનથી ચોમાસાનો પ્રારંભ થશે.

દિલ્હી, રાજસ્થાન, હિમાચલ, જમ્મુ-કાશ્મીરમાં ર૯ જૂન, અને હરિયાણા - પંજાબમાં ૧ જૂલાઇથી ચોમાસુ સક્રિય  થશે.પુણેથી મળતી આગાહી પ્રમાણે આવતા ર૪ કલાકમાં આસામ, મેઘાલય, ત્રિપુરા, પ. બંગાળ, છત્તીસગઢ, આંધ્ર, કેરળ વગેરે રાજયોમાં આંધી તોફાન સાથે વરસાદ થશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં લૂનું સામ્રાજય રહેશે. (પ-૭)

(11:40 am IST)