Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

અમદાવાદની યુવતિ ઉપર અપહરણ કરીને દુષ્‍કર્મઃ શરમજનક સ્થિતિમાં મુકાઇ છું અને મોઢુ બતાવવા નથી માંગતી તેવો પત્ર મળતા તે દિશામાં પોલીસ તપાસનો ધમધમાટ

અમદાવાદઃ 12 એપ્રિલથી ગુમ થયેલી ફાર્મા કંપનીમાં કામ કરતી 31 વર્ષની યુવતીના પરિવારજનોને એક પત્ર મળ્યો છે. આ પત્રમાં યુવતીએ જણાવ્યું છે કે, તેનું અપહરણ કરીને બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ સ્થિતિને કારણે તે ખૂબ જ શરમજનક સ્થિતિમાં મૂકાઈ છે, અને કોઈને મોઢું બતાવવા ન માગતી હોવાથી તે ઘર છોડીને ચાલી ગઈ છે. આ લેટર યુવતીએ જ લખ્યો છે કે કેમ તે અંગે સરખેજ પોલીસ તપાસ ચલાવી રહી છે.

સરખેજ પોલીસના જણાવ્યા અનુસાર, શિલજમાં રહેતી આ યુવતી એમ.ફાર્મ થયેલી છે, અને એક પ્રાઈવેટ કંપનીના રિસર્ચ સેન્ટરમાં કામ કરે છે. 12 એપ્રિલે તે પોતાના ઘરેથી ઓફિસે જવા નીકળી હતી, જોકે ત્યારથી જ તેનો કોઈ અતોપતો નથી. પોલીસ ફરિયાદ અનુસાર, તે ઘરેથી નીકળી ત્યારથી જ લાપતા છે. સાંજે યુવતી ઘરે ન આવતા યુવતીની માતાએ તેના પતિને ફોન કર્યો હતો. જોકે, પતિએ તપાસ કરતા યુવતી તે દિવસે ઓફિસે ગઈ જ ન હોવાનું જાણવા મળ્યું હતું.

ગાયબ થઈ ગયેલી યુવતીને શોધવા તેના ભાઈ અને પતિએ તે જે સ્થળે આવતી-જતી રહેતી હતી તે તમામ સ્થળોએ ગયા હતા. આ દરમિયાન સિંધુ ભવન રોડ પરથી તેનું ટુ-વ્હીલર મળી આવ્યું હતું. તેની બુટ્ટી, હેરપિન, કંપની આઈકાર્ડ અને અન્ય સામાન પણ મળી આવ્યો છે તેમ ફરિયાદમાં જણાવાયું છે. આ યુવતી ઓફિસે બસમાં અથવા તો પોતાના વાહન પર જતી હતી.

જે દિવસે યુવતી ગુમ થઈ તે દિવસે તે પોતાનું ટુ-વ્હીલર લઈને ઘરેથી નીકળી હતી. સરખેજ પીઆઈ પીઆર રામાણીના જણાવ્યા અનુસાર, યુવતીના પરિવારજનોને હાથેથી લખેલો તેમજ ગુમ યુવતીની સહી કરેલો પત્ર મળ્યો છે. જેમાં જણાવાયું છે કે, પોતાનું અપહરણ કરી બળાત્કાર કરાયો હોવાથી તે હવે પોતાનું મોઢું કોઈને બતાવવા નથી માગતી. આ પત્ર મુંબઈથી આવ્યો છે, અને પોલીસે ત્યાં તપાસ કરવા માટે પણ ટીમ રવાના કરી છે.

(6:16 pm IST)