Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

CBSEના પહેલા સત્રમાં ગુજરાતી ભાષા ફરજીયાત નહીં : ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાની જાહેરાત

અમદાવાદઃ ગુજરાતમાં તમામ માધ્યમોમાં ગુજરાતી ભાષાને આગામી વર્ષથી ફરજિયાત બનાવવામાં આવી હોવાની જાહેરાત કરાયા બાદ હવે CBSEમાં તેનો અમલ પ્રથમ સત્રમાં નહીં થઈ શકે, તેવી જાહેરાત શિક્ષણ પ્રધાન ચુડાસમાએ કરી હતી. ગુજરાતી ભાષાના શિક્ષકોની નિયુક્તિ અને અન્ય સુવિધા ઉભી કરવા માટે CBSE સ્કૂલને સમય આપવામાં આવ્યો છે. ગુજરાતી ભાષા નામશેષ થતી બચાવવા તેને અભ્યાસમાં ફરજિયાત બનાવવામાં આવી છે. જો કે આગામી શૈક્ષણિક વર્ષથી જ તેને લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અંતર્ગત શાળાઓ આગામી વર્ષ જૂનથી શરૂ થાય છે. જ્યારે CBSE અભ્યાસક્રમ સંચાલિત શાળાઓમાં માર્ચમાં પરીક્ષા પતે કે તરત જ પછીના ધોરણનો અભ્યાસ શરૂ કરી દેવામાં આવે છે. આથી CBSE બોર્ડ સંચાલિત શાળાઓમાં વહીવટકારોને પૂરતો સમય મળે તે હેતુથી ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તેમને પ્રથમ સત્રમાં ગુજરાતી ભાષા લાગૂ કરવામાં નહિં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કરીને ગુજરાતી ભાષાના શિક્ષકો ઉપરાંત લાઈબ્રેરી સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા શાળા સંચાલકોને પૂરતો સમય મળી રહે. આ અંગેની જાહેરાત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી. 

(6:14 pm IST)