Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

અમદાવાદમાં રિક્ષાચાલકની હત્યાનો પ્રયાસઃ કાર આપવા મુદ્દે તેના જ મિત્રઅે ૮થી વધુ તલવારના ઘા ઝીંકી દીધા

અમદાવાદઃ વટવા સદભાવના નગર ચાર માળિયામાં રહેતા રિક્ષાડ્રાઇવર યશવંત ઉર્ફે રાજાભાઇ જયરામભાઇ ઠાકોરનો વટવા વિસ્તારમાં આવેલી ટંકાર રેસિડન્સીમાં હાર્દિક પાસવાન નામનો મિત્ર રહે છે. હાર્દિકની કાર કૃષ્ણનગર પોલીસે ડીટેઇન કરી હતી. પોલીસ સ્ટેશનમાં પડેલી કાર છોડાવવા માટે હાર્દિકે યશવંતને કહ્યુ હતું.

કાર છોડવ્યા બાદ તે યશવંત પાસે રહેશે તેવું હાર્દિકે કહ્યું હતું. યશવંત કારની ચાવી લેવા માટે હાર્દિકના ઘરે ગયો હતો. જ્યાં તેને કાર આપવાની ના પાડી દીધી હતી. કાર આપવા મામલે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી અને યશવંત ત્યાંથી જતો રહ્યો હતો.

યશવંત મંદિરની બહાર બેઠો હતો ત્યારે હાર્દિક તલવાર લઇને આવ્યો હતો અને આડેધડ તલવારના ઘા ઝીંકવાના શરૂ કરી દીધા હતા. યશવંતને માથામાં તેમજ હાથ અને પગમાં તલવારના આઠ કરતા વધુ ઘા વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો. યશવંતને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

(9:25 am IST)