Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

નવસારીના છાપરામાં તસ્કરોએ એકસાથે ત્રણ ઘરને નિશાન બનાવી પાંચ તોલા દાગીનાનો હાથફેરો કર્યો

નવસારી:ને અડીને આવેલા છાપરા ગામે તસ્કરોએ તરખાટ મચાવતા એક રહીશનાં ઘરમાંથી સોનાના પાંચ તોલાથી વધુ દાગીના તથા રોકડા રૂ. ૧૮ હજાર મળી કુલ રૂ. ૮૮ હજારથી વધુનો હાથફેરો કરી ગયા હતા. જ્યારે અન્ય બે ઘરોમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. નવસારીના છાપરા ગામે મણીનગર (૨) સોસાયટીમાં એન.આઇ.એફ. કંપની સામે રહેતા વિનોદભાઇ મંછારામભાઇ ટેલરનો પરિવાર ઉનાળાની ગરમીહોય ઉપરના માળે રૂમમાં ઉંઘી રહ્યો હતો. દરમ્યાન કોઇ તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી પાછળના ભાગે આવેલી બારીની ગ્રીલ તોડી રૂમમાં પ્રવેશી ગયા હતા અને રૂમ અંદરથી બંધ કરી તસ્કરોએ કબાટનું લૉક તોડી તેમાં રાખેલી તિજોરીનું લૉક તોડી સોનાના અંદાજે પાંચ તોલા વજનના દાગીનામાં સોનાની ૪ નંગ વીંટી, બે નંગ બંગડી, એક મંગળસૂત્ર, એક સોનાનો સેટ મળી કુલ રૂ. ૭૦ હજારના દાગીના, ચાંદીનું લુઝ, તાંબાના જુના સિક્કાઓ એક કિલોગ્રામ વજનનાં તથા રોકડા રૂ. ૧૮ હજાર મળી કુલ રૂ. ૮૮ હજારની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ તસ્કરોએ તેમની બાજુમાં આવેલા નિલેશભાઇ ટંડેલના ઘરની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી ગયા હતા પરંતુ કોઇ કિંમતી ચીજવસ્તુઓ હાથ લાગી ન હતી. બાદમાં આ જ સોસાયટીમાં રહેતા મહેશભાઇ ચૌધરીના ઘરમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે. આજે સવારે વિનોદભાઇ ટેલરે ઉઠીને પોતાનો રૂમ ખોલવા જતા અંદરથી બંધ હતો.

 

 

(6:08 pm IST)