Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

તમામ કઠોળમાં ભારે મંદીઃ એક અઠવાડીયામાં ૭૫ થી ૩૦૦ રૂપિયા ઘટયા

સરકારી એજન્સીની જંગી ખરીદી છતાં એકધારા કઠોળના ભાવ ઘટતા જાય છેઃ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતાં તમામ કઠોળ ખુલ્લા બજારમાં ૨૫ થી ૪૦ ટકા નીચે વેચાય છે

રાજકોટ : તમામ કઠોળમાં એકધારી મંદી જોવા મળી રહી છે. ખેડૂતોને લોલીપોપ જેવા વચનો આપવામાંથી ઊંચી ન આવતી સરકાર દેશના કઠોળ ઉગાડતાં ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીને દૂર કરવામાં સરિયામ નિષ્ફળ ગઈ છે. વિતેલા સપ્તાહ દરમિયાન દરેક કઠોળના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

દેશના મુખ્ય મથકો પર વિતેલા સપ્તાહ દરમિયાન ચણામાં કિવન્ટલે ૧૫૦ રૂપિયા, તુવેરમાં ૧૭૫ રૂપિયા, અડદમાં ૨૦૦ રૂપિયા, મગમાં ૩૦૦ રૂપિયા અને વટાણામાં ૭૫ રૂપિયા તૂટયા હતા. તમામ કઠોળના ભાવ હાલ એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઈસ- ટેકાનો ભાવ) થી હાલ ૩૦ થી ૪૦ ટકા નીચા ચાલી રહયા છે. સરકાર દ્વારા તમામ કઠોળમાં જંગી ખરીદી કરવામાં આવી રહી છે પણ આ જંગી ખરીદીમાં નકરો ભ્રષ્ટાચાર ચાલતો હોઈ ખેડૂતોને પૂરા ભાવ મળતાં નથી અને ભ્રષ્ટ રાજકારણીઓ- અધિકારીઓ તગડી મલાઈ જમી રહયા હોવાનું કોમોડિટી વર્લ્ડ જણાવે છે.

તુવેરમાં હાલ મેંગો સીઝન ચાલતી હોઈ દાળની ડીમાન્ડ સાવ તળિયે જઈ પહોંચી છે વળી તાન્ઝાનિયા અને સુદાનની નવી તુવેર કરતાં ઈમ્પોર્ટેડ તુવેર સસ્તી મળી રહી હોઈ તુવેરના ભાવ વિતેલા સપ્તાહને અંતે મહારાષ્ટ્રના અકોલમાં ૪૧૦૦ રૂપિયા હતો જે અગાઉના સપ્તાહને અંતે ૪૨૭૫ રૂપિયા હતો.

તુવેરની એમએસપી ૫૪૫૦ રૂપિયા સરકારે નકકી કરી છે. એમએસપી કરતાં ખુલ્લા બજારમાં તુવેર ૧૩૫૦ રૂપિયા (૨૫ ટકા) નીચા ભાવથી વેચાઈ રહી છે. સરકારી એજન્સીએ અત્યાર સુધીમાં દેશમાંથી કુલ ૭.૪૦ લાખ ટન તુવેરની ખરીદી કરી છે. જેમાં મહારાષ્ટ્રમાંથી ૨.૪૪ લાખ ટન, ગુજરાતમાંથી ૩૦ હજાર ટન, કર્ણાટકમાંથી ૩.૩૫ લાખ ટન, આંધ્રમાંથી ૫૫૬૦૦ ટનએ તેલંગાનામાંથી ૭૫૩૦૦ ટન તુવેરની ખરીદી કરી છે અને હજુ તુવેરની ખરીદી ચાલુ હોવા છતાં દિન- પ્રતિદિન તુવેરના ભાવ ઘટી રહયા છે.

કર્ણાટકમાં સરકારે તુવેરની ખરીદી બંધ કરી દીધી છે પણ ખેડૂતો પાસે હજુ ચાર લાખ ટન તુવેર પડી છે અને ત્યાંની કોંગ્રેસી સરકારે કેન્દ્રની ભાજપ સરકાર પાસે વધુ તુવેરની ખરીદીની મંજુરી માગી છે પણ કેન્દ્ર સરકાર આ માગણી આગમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટલ્લે ચડાવી રહી છે.

(4:08 pm IST)