Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

IIM અમદાવાદમાં કોરોનાની એન્ટ્રી :કેમ્પસમાં બે દિવસમાં 23 કેસ નોંધાયા: કેમ્પસને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

આઇઆઇએમમાં 10 કેસ આવ્યા બાદ કોન્ટેક્ટ ટ્રેસીંગ કરતા વધુ 14 કેસ પોઝિટિવ મળ્યા

 

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોના સ્કૂલ, કોલેજ, સચિવાલય સુધી પહોંચી ગયો છે. અમદાવાદ ખાતે આવેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIM-A) ખાતે છેલ્લા બે દિવસમાં 23 જેટલા કેસો સામે આવ્યા છે, જેથી કેમ્પસને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  કન્ટેન્મેન્ટ જાહેર કરાયો છે

  રાજ્યમાં સુરત, અમદાવાદ કોરોનાનો હોટસ્પોટ બની ગયો છે. અહીં છેલ્લા બે દિવસથી 500થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. ત્યારે આઈઆઈએમ-અમદાવાદમાં બે દિવસમાં 23 કોરોના કેસો સામે આવતા તંત્રની ચિંતા વધી ગઇ છે. એએમસી દ્વારા કેમ્પસને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદના વેસ્ટ ઝોનના અધિકારીએ જણાવ્યું કે ગઈ કાલે આઈઆઈએમમાં 10 જેટલા કોરોના કેસ સામે આવ્યા હતા. જેથી આજે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આજે પણ 13 કેસ મળ્યા છે. બે દિવસમાં કેમ્પસમાંથી કુલ 23 કેસ મળી આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ મેચમાં જમા થયેલી જનમેદનીના કારણે કોરોનાના કેસોમાં વધારો થયો છે. હવે તો રોજના 500થી વધુ કોરોના કેસો સામે આવી રહ્યા છે. ગત રોજ અમદાવાદ શહેરમાં 506 અને જિલ્લામાં 8 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 459 અને જિલ્લામાં 2 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે આજરોજ એટલે બુધવારના રોજ છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 514 નવા કેસ અને 461 દર્દી સાજા થયા છે. કોરોનાના કારણે બે દર્દીનું મોત નિપજ્યું છે. તેની સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 68,377 થયો છે. જ્યારે 64,271 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. મૃત્યુઆંક 2,340 પર પહોંચ્યો છે

(12:40 am IST)