Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજ્યમાં મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવવા મંજૂરી : ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામુહિક કાર્યક્રમ યોજી શકાશે નહીં

હોળી-ધુળેટીના પર્વે રાજ્ય ગૃહ વિભાગની ગાઇડલાઇન : કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોને તકેદારી રાખવી પડશે

અમદાવાદ : હોળી-ધુળેટીને લઇ રાજ્ય ગૃહ વિભાગે ગાઇડલાઇન બહાર પાડી છે. હોળીની ધાર્મિક વિધિ માટે છૂટછાટ આપવામાં આવી છે અને ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગાઇડલાઇનમાં કહેવાયું છે કે, આ તહેવારોમાં માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. મોટી સંખ્યામાં એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે. 

આથી, રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિને ધ્યાને લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે અને હોળીની પ્રદક્ષિણાની સાથો સાથ ધાર્મિક વિધિ પણ કરી શકાશે. તો હોળી દહનના કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોને તકેદારી રાખવાની રહેશે. ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી-સામૂહિક કાર્યક્રમ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. મહત્વનું છે કે, કોરોનાના વધતા કેસોને લઇને ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે

(11:41 pm IST)