Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

નેહા પટેલનું વધુ એક કારસ્તાન :જામનગરની ખેતીની જમીનને ઔદ્યોગિકમાં ફેરવવા સુરતના વેપારી પાસેથી 32 લાખ ખંખેર્યા

બારડોલીની નેહા પટેલે ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી જમીનને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવા માટે 32 લાખ પડાવ્યા : બારડોલી પોલીસમાં નેહા અને સચિવની ઓળખ આપનાર કમલેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ

બારડોલીની નેહા પટેલે ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી જામનગરમાં એગ્રીકલ્ચર ઝોનમાં આવેલી જમીન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવા માટે સુરતના વેપારી પાસેથી રૂ. 32 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે વેપારીએ બારડોલી પોલીસમાં નેહા અને સચિવની ઓળખ આપનાર કમલેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

સુરત શહેરના ડભોલી ચાર રસ્તા પાસે આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના દરેડ ગામના યોગેશભાઈ મનસુખભાઈ વિરાણી ટેક્ષટાઇલ તેમજ જમીન લે વેચના વેપાર સાથે સંકળાયેલા છે. અને તેઓ છેલ્લા 6 વરસથી નવસારી અને સુરત જિલ્લામાં આવેલી ખેતી લાયક જમીનની લે વેચ કરે છે. ગત 2018ના ઓક્ટોબર માસમાં યોગેશ ભાઈ કામ અર્થે બારડોલી તેમના મિત્ર હલીમભાઈ અહમદ શેખને મળવા આવ્યા હતા. જ્યાં તેમની મુલાકાત મહેશ લવર નામના વ્યક્તિ સાથે થઈ હતી. મહેશે પોતે જમીનને લગતું કામ કરતો હોવાનું જણાવતા યોગેશે તેની જામનગર ખાતે આવેલી સર્વે નંબર 90 અને 95 વાળી એગ્રીકલ્ચર ઝોનમાં આવેલી જમીનને ઇન્ડસ્ટ્રીયલ ઝૉનમાં ફેરવવા માટે જણાવ્યુ હતું. આથી જમીનના ડૉક્યુમેન્ટ મોબાઇલમાં મોકલતા બે દિવસ બાદ મહેશે યોગેશભાઈને બારડોલીના બાબેન ગામે મળવા બોલાવ્યા હતા. જ્યાં મહેશે નેહા ધર્મેશ પટેલ (રહે બાબેન બંગલોઝ, બાબેન તા. બારડોલી, જી. સુરત)ની ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખ આપી યોગેશ સાથે મુલાકાત કરાવી હતી. અને હાલ વડોદરામાં પોસ્ટિંગ હોવાનું જણાવ્યુ હતું.

યોગેશે એગ્રીકલ્ચર જમીનને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવા માટે વાતચીત કરતાં નેહાએ આ અંતે રૂ. 60 લાખ રૂપિયાનો ખર્ચનો અંદાજ આપ્યો હતો. અને અરજી જમા કરાવવા માટે પહેલા 2 લાખ રૂપિયા માગ્યા હતા. જેથી આગળની પ્રોસેસ ચાલુ કરી શકાય. ત્યારબાદ નેહા યોગેશને ગાંધીનગર ખાતે સચિવની મુલાકાત કરાવવા માટે લઈ ગઈ હતી. જ્યાં એક સચિવના બંગ્લા પર ગયા હતા અને ત્યાં એક સચિવ સાથે મુલાકાત કરાવી હતી, પરંતુ ડૉક્યુમેન્ટ ઘટતા હોય સચિવે બાકીના ડૉક્યુમેન્ટ નેહા બેનને પહોંચાડી દેજો જેથી કામ શરૂ કરી દેવાશે એમ જણાવ્યુ હતુ. બાદમાં તેઓ હોટેલ પર જમવા ગયા હતા જ્યાં તેમણે કમલેશ પરમાર નામના સચિવને બોલાવી તેની સાથે મુલાકાત કરાવી હતી.

કમલેશ પરમાર સાથે સારા સંબંધ હોવાથી તેઓ આપણાં બજેટ 60 લાખમાં કામ કરી આપશે એવો વિશ્વાસ આપી નેહાએ બે મહિનામાં કામ પૂર્ણ થઈ જશે એવું આશ્વાસન આપ્યું હતું. નેહાની વાતમાં વિશ્વાસ આવી જતાં યોગેશે સુરતના અઠવાલાઇન્સ પાસે 2 લાખ રૂપિયા આપ્યા હતા. તે સમયે નેહાએ અરજીની પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે આથી દસ પંદર દિવસમાં 20 લાખ રૂપિયા આપવામાં પડશે તેમ જણાવતા ડિસેમ્બર 2018ના પ્રથમ સપ્તાહમાં દસ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્રણ થી ચાર બાદ બીજા દસ લાખ રૂપિયા રોકડા વરાછા રોડ સુરત ઉપર ગાડીમાં આપ્યા હતા.

બે ત્રણ દિવસ બાદ સુરતના વેસુ તેમજ અડાજણ વિસ્તારમાં બે જમીન બતાવી તે જંત્રીના ભાવે અપાવવાની ખાતરી આપી હતી. જેના અલગથી રૂપિયા થશે એમ જણાવી દસ લાખ માગ્યા હત. જે રકમ કામરેજ ચાર રસ્તા પાસે આપ્યા હતા. દરમ્યાન ત્રણ દિવસ પછી 25મી ડિસેમ્બરમાં દૈનિકપત્રોમાં નેહા પટેલ વિષે અડાજણ પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળતા યોગેશના પગતળેથી ધરતી ખસી ગઈ હતી. આથી નેહા પટેલની છેતરપિંડીનો ભોગ બનેલા યોગેશ વિરાણીએ બારડોલી પોલીસ મથકમાં નેહા ધર્મેશ પટેલ અને કમલેશ પરમાર નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

નેહા પટેલ ડેપ્યુટી કલેક્ટરનો આઈ કાર્ડ બનાવી લોકોને છેતરતી આવી છે. યોગેશ પટેલના કેસમાં પણ જ્યારે તેઓ નેહા સાથે ગાંધીનગર ગયા ત્યારે રસ્તામાં ટોલ પ્લાઝા પર ડેપ્યુટી કલેક્ટરનો આઈકાર્ડ બતાવતી હતી. આથી યોગેશને નેહા ખરેખર ડેપ્યુટી કલેક્ટર હોવાનું માની લીધું હતું.

નેહા સામે વર્ષ 2018માં નાયબ કલેકટરની બોગસ આઈડીના આધારે ભાડાનું રો હાઉસ રાખીને મત્સ્ય ઉધોગની લગતી ફાઈલ પાસ કરવાની લાલચ આપી મકાન માલિક સાથે રૂ.૩૨.૪૦ લાખની ઠગાઈ કરી હતી જે મામલે અડાજણ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત સુરતના એક બિલ્ડરને નવસારી જિલ્લામાં સિસોદ્રા ગામે સરકારી જમીન ફાળવણી કરવાનું કહી રૂ. 1 કરોડ પડાવ્યા હતા. જે મામલે કતારગામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

(11:29 pm IST)