Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

અમદાવાદ આરટીઓ દ્વારા ઇ-ઓકશન છેલ્લી ઘડીએ મુલત્વી રખાઇ: વાહન માલિકોમાં રોષ

પસંદગીના નંબર મેળવવા માટે અનેક વાહનમાલિકોએ સીએનએ ફોર્મ અને રકમ પણ ભરી હતી

અમદાવાદ : : ટુ વ્હીલર તથા ફોર વ્હીલરના પસંદગી નંબરો મેળવવા માટે આરટીઓ તરફથી ઇ-ઓકશન કરવામાં આવે છે. તે બદલ રાજય સરકારને વર્ષે દહાડે લાખો રૂપિયાની કમાણી થાય છે. તાજેતરમાં અમદાવાદ આરટીઓ દ્વારા નવી સીરીઝ ખુલતી હોવાથી ઇ-ઓકશનની જાહેરાત કરી હતી. આ જાહેરાતના પગલે પસંદગીના નંબર મેળવવા માટે અનેક વાહનમાલિકોએ સીએનએ ફોર્મ ભર્યા હતા. તેની સાથે પસંદગીના નંબર મુજબની રકમ પણ ભરી હતી. તેના પર આવતીકાલથી બે દિવસ માટે બીડીંગ થવાનું હતું. ત્યાં જ આજે સવારે અમદાવાદ આરટીઓ દ્વારા છેલ્લી ઘડીએ ઇ-ઓકશન મુલત્વી રાખવામાં આવ્યું હોવાનો મેઇલ કરી દેવામાં આવતાં વાહનમાલિકોમાં અસંતોષ ફેલાયો છે. આરટીઓના મનસ્વીભર્યા નિર્ણયથી કેટલાંય વાહનમાલિકોના મનપસંદ નંબર મેળવવાની ઇચ્છા પર પાણી ફરી વળશે. જેના કારણે વાહનમાલિકોમાં ભારોભાર રોષ ફેલાયો છે. આવું આરટીઓના ઇતિહાસમાં પ્રથમવાર ઘટના બની હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

આજથી દાયકાઓ પહેલાં વાહનના પસંદગીના નંબરો મેળવવા માટે પડાપડી થતી હતી. વળી પાછાં તે નંબરો ભલામણથી લઇ લેવામાં આવતાં હતા. આ હકીકતને ધ્યાનમાં લઇને સરકાર તરફથી કેટલાંક પસંદગીના નંબરો માટે હરાજી કરવાનું નક્કી કર્યું હતું. તે માટે બે ભાગ પાડવામાં આવ્યા હતા. જેમાં ગોલ્ડન અને સિલ્વર નંબરોની પસંદગી કરાઇ હતી. વધુ નંબરો ચલણમાં હોય તેવા મહત્વના 27 નંબરો કાઢીને તેને ગોલ્ડનમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ 72 નંબરોને સિલ્વરની યાદીમાં મૂકવામાં આવ્યા હતા. આમ એક સીરીઝમાં કુલ 99 નંબરો નક્કી કરાયા હતા. આ નંબરો પર હરાજી કરવામાં આવતી હતી. તેની સાથે ટુ વ્હીલર કે ફોર વ્હીલર નંબર મેળવનારી વ્યક્તિએ નંબર મેળવવા માટેના ફોર્મની સાથે નિયત કરેલી ઓછામાં ઓછી રકમ પણ ભરવાની રહે છે.

અમદાવાદના પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી (આરટીઓ) દ્વારા તાજેતરમાં જ મોટરસાયકલમાં નંબરોની લગતી હાલની સીરીઝ જીજે01-વીજે ટૂંક સમયમાં પુરી થનારી હોવાથી નવી સીરીઝ જીજે01-વીકે ખોલવા તેમ જ એલ.એમ.વી. કારમાં અગાઉની સીરીઝમાં બાકી રહેલી ગોલ્ડન તથા સિલ્વર નંબરોનું ઇ-ઓકશન શરૂ કરવામાં આવનાર હોવાથી પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન સીએનએ ફોર્મ ભરવાનું રહેશે. તેના માટે 23 અને 24મી માર્ચ સુધીમાં વાહનમાલિકે ઓનલાઇન નંબર રજીસ્ટર કરાવવાનો રહેશે. તથા 25 અને 26મી માર્ચ સુધી ઓનલાઇન બીડીંગ કરવાનું રહેશે

આ જાહેરાતના પગલે ઉપરોક્ત મનપસંદ નંબર મેળવવા માટે અનેક લોકોએ લાખોની રકમ સાથે ફોર્મ ભર્યા હતા. આજે એટલે બુધવારે ઓનલાઇન નંબર રજીસ્ટર કરાવવાનો છેલ્લો દિવસ હતો. અને આવતીકાલે એક જ નંબર પર એક કરતાં વધુ રસ ધરાવનારા વાહનમાલિકો વચ્ચે બોલી બોલાવવાની હતી. પરંતુ આજે અમદાવાદ આરટીઓએ એકાએક આ પસંદગી નંબરની કામગીરી મુલત્વી રાખવામાં આવી હોવાની જાહેરાત કરી છે. તેની સાથે પસંદગીના નંબર મેળવવા માટે ફોર્મ સાથે ભરેલી રકમ રિફંડ કરી દેવાની છેલ્લી ઘડીએ જાહેર કર્યું હતું. છેલ્લી ઘડીએ કરેલી જાહેરાતથી વાહનમાલિકોમાં વહીવટી તંત્ર સામે રોષ ભભૂકી ઉઠયો છે. તેથીય વિશેષ રિફંડ ચૂકવવામાં પણ આરટીઓ તરફથી ધાંધિયા હોવાથી વાહનમાલિકોમાં ડબલ ગણો રોષ ફાટી નીકળ્યો છે. એટલું જ નહીં પરંતુ છેલ્લી ઘડીએ લેવાયેલા આ નિર્ણયથી વહીવટી તંત્રના વહીવટ સામે પ્રશ્નો ઊભા થયા છે

અત્રે ઉલ્લેખનીય છે કે, નિયમ પ્રમાણે દરેક વાહનમાલિકે 30 દિવસમાં નંબર મેળવી લેવાનો રહે છે. જો આ સમયમાં પસંદગીનો નંબર ઉપલબ્ધ ના હોય તો બીજો કોઇ ઉપલબ્ધ પસંદગી નંબરમાંથી પસંદ કરીને મેળવી લેવાનો રહે છે. પરંતુ જો નવી સીરીઝ ખુલવાની હોય તો વાહનમાલિકે તેના માટે અરજી કરવાની રહે છે. પરંતુ તેના માટે વધારાના 30 દિવસ જ મળે છે. આ સમયમાં નવી સીરીઝ ખુલી તો વાહનમાલિકને પસંદગીનો નંબર મળવાની શક્યતા રહે છે. પરંતુ જો તે 60 દિવસની અંદર નવી સીરીઝ ના ખુલી તો પછી આરટીઓ તરફથી જે પણ નંબર ફાળવવામાં આવે તે વાહનમાલિકે લઇ લેવો પડે તેવી સ્થિતિ સર્જાય છે. આ નિયમના કારણે ઘણાં લોકોની મનની મનમાં રહી જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ હોવાથી આરટીઓનો નિર્ણય તેમના માટે નડતરરૂપ બનશે.

મનપસંદ નંબર મેળવવા પાછળ ઘણી વાતોની સાથે લોકોની લાગણીઓ જોડાયેલી હોય છે. તેના કારણે જ મનપસંદ નંબર મેળવવા માટે લોકો હજારો કે લાખો રૂપિયા નંબર મેળવવા માટે ખર્ચતા હોય છે. ત્યારે અચાનક લેવાયેલા નિર્ણયથી લોકોની લાગણી સાથે ખીલવાડ થયો છે. એટલું જ નહીં મનપસંદ નંબર મેળવવા અરજી કરનારા પૈકીના અમૂક નંબરો પર જ એક કરતાં વધુ લોકો હોય છે. તે નંબર માટે જ હરાજી થાય છે. બાકીના નંબરો સાથેની રસીદ તો વાહનમાલિકોને આપી પણ દેવામાં આવતો હોય છે. પરંતુ આ નિર્ણયના કારણે રસીદમાં તો નંબર ફાળવી દેવામાં આવ્યો છે. તો તેમના નંબરો પણ રદ થશે તે બાબતને લઇને વિવાદ થવાની પુરેપુરી શકયતા રહેલી છે .

(10:12 pm IST)