Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ભાજપ-કોંગ્રેસના ઢગલાબંધ નેતાઓ કોરોનામાં સપડાયા

ચૂંટણી રેલીમાં મોં ઢાંક્યા વગર ફર્યા હતા : ગુજરાત વિધાનસભા ગૃહમાં કોરોના વધી રહ્યો છે જેને લઈ આરોગ્ય તપાસણી સઘન કરવામાં આવી રહી છે

ગાંધીનગર,તા.૨૪ : ગુજરાતમાં કોરોનાની રિએન્ટ્રી માટે ચૂંટણી જવાબદાર છે તે સત્ય ભલે ગુજરાત સરકાર સ્વીકારે નહિ, પણ ચૂંટણી બાદ કોરોનાના કેસોનો સતત વધી રહેલો આંકડો તેનો બોલતો પુરાવો છે. સાથે જ એક પછી એક ધારાસભ્યો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. જે સાબિતી આપે છે. ત્યારે ગાંધીનગરમાં નેતાઓમાં કોરોના સંક્રમણ વધ્યું છે. એક પછી એક ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. કુલ ૯ ધારાસભ્યો કોરોનાગ્રસ્ત થતાં ફફડાટ ફેલાયો છે. ભાજપના ૬ ધારાસભ્યો અને કોંગ્રેસના ૩ ધારાસભ્યોને કોરોના થયો છે. તો મંગળવારે એક જ દિવસમાં પાંચ ધારાસભ્યોને કોરોના થયો છે. એક જ દિવસે ભાજપના ધારાસભ્યો વિજય પટેલ, ભીખા બારૈયા તથા કોંગ્રેસના ધારાસભ્યો પૂંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકી કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચ્યો હતો.

          ધારાસભ્યોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાથી ધારાસભ્યોને પણ કોરોના ટેસ્ટ કરાવવા માટે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે. તેમજ ગૃહમાં કોરોનાને લઈ મુલાકાતીઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.  વિધાનસભા ગૃહમાં કોરોના વધી રહ્યો છે જેને લઈ આરોગ્ય તપાસણી સઘન કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની ઝપેટમાં અત્યાર સુધી ઘણા નેતાઓ અને મંત્રીઓ આવી ચૂક્યા છે. રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કોરોના સંક્રમિત થયા હતા. જોકે તેઓ યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ગયા હતા. વિધાનસભા અને સચિવાલય બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે. મુખ્યમંત્રી જન સંપર્ક કાર્યાલયમાં નાયબ સચિવ અધિકારી કોરોના પોઝિટિવ આવ્યા છે. અધિકારી કોરોના પોઝિટિવ આવતા હોમ ક્વોરેન્ટાઈન થયા છે. વિધાનસભા સંકુલમા કોરોનાનો ડર દેખાઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યાલય બહાર બેસવાની વ્યવસ્થા દૂર કરાઈ છે. પટાવાળા અને ગાર્ડને બેસવાની વ્યવસ્થા પણ દૂર કરાઈ છે. વધતા સંક્રમણને લઈ સોશિયલ ડિસ્ટન્સ  જળવાઈ રહે તેના માટે આ પ્રકારે પગલા લેવાયા છે.

(9:16 pm IST)