Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

એમ્બ્યુલન્સમાંથી કૂદી જતાં આરોપીનું કરૂણ મોત થયું

સુરતમાં કાયદાથી છટકવા ગયો તો મોત આંબી ગયું! : આરોપી ચાલુ ગાડીએ કૂદકો મારીને ભાગવા ગયો હતો

તાપી,તા.૨૪ : સુરતમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગતરોજ અમરોલી પોલીસે પકડેલા ચોરીના ગુનાના આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવર માટે ૧૦૮માં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યો હતો. ત્યારે આ આરોપી ચાલુ ગાડીએ કૂદકો મારી ભાગવા જતા ઓવર બ્રિજથી નીચે પટકાતા મોત થયાનો મામલો સામે આવ્યો છે. સુરતમાં બનેલી આ વિચિત્ર ઘટનામાં આરોપીનું ઘટના સ્થળે જ મોત થયું છે. આરોપી કોરોનાથી સંક્રમિત થયો અને પોલીસના સાણસામાં હતો ત્યારે કાયદાથી છટકવા જતા મોત આંબી ગયું એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી ત્યારે સુરતની આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ધસી આવ્યો હતો અને તેઓ પણ આ ઘટના જાણીને હેરાન થઈ ગયા હતા. સુરતમાં કોરોના કાળમાં પોલીસની પ્રણાલી મુજબ ધરપકડ કરવામાં આવતા દરેક આરોપીનો કોરોના વાઇરસનો ટેસ્ટ કરવામાં આવે છે.

           આ આરોપીનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેને ૧૦૮માં સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવતો હતો ત્યારે તેણે એમ્બ્યુલન્સમાંથી ચાલુ ગાડીએ ઉતરી જઈને ભાગવા જતા બ્રીજ પરથી કૂદકો માર્યો હતો જેમાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીએ ૩૦ ફૂટ ઉંચા બ્રીજપરથી પટકાવાના કારણે જીવ ગુમાવ્યો છે. જોકે, આમાં પોલીસની બેદરકારી ગણવી કે આરોપીનું નસીબ તે હવે વિચારવા જેવી બાબત છે. કારણ કે કોરોના પોઝિટિવ હોવાના કારણે આરોપી સાથે પોલીસ બંદોબસ્તમાં મૂકી નથી શકાતી પરંતુ આ વિચિત્ર ઘટનાએ સુરતના પોલીસ બેડામાં ભારે ચર્ચા જગાવી છે. દરમિયાનમાં આ ઘટના કતારગામ વિસ્તારમાં ઘટી હોવાથી પોલીસ આ ઘટના કેવી રીતે ઘટી તેની તપાસ ચલાવી રહી છે અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં આરોપીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.

(9:16 pm IST)