Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 970 દર્દીઓના કોવિડ-19થી મોત : રાજ્યમાં કોરોનાથી 51 ટકા મૃત્યુ અમદાવાદમાં થયા

રાજ્ય સરકાર દ્વારા 31મી જાન્યુઆરી 2021ની સ્થિતિ પ્રમાણે જારી કરાઈ માહિતી : બે વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા કુલ 21,920 દર્દીઓ પૈકી 970 દર્દીઓના મોત કોવિડ-19ના કારણે થયા

અમદાવાદ : દેશમાં કોરોના મહામરીના શરૂઆતના દિવસોથી 31મી જાન્યુઆરી 2021 સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 970 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત નીપજ્યાં હોવાની વિગતો સામે આવી છે.

 રાજ્ય સરકાર દ્વારા 31મી જાન્યુઆરી 2021ની સ્થિતિ પ્રમાણે જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પાછલા બે વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા કુલ 21,920 દર્દીઓ પૈકી 970 દર્દીઓના મોત કોવિડ-19ના કારણે થયા છે. નોંધનીય છે કે 23મી માર્ચ 2021ના આંકડા પ્રમાણે રાજ્યમાં 4458 લોકોના મોત કોરોનાને લીધે થયા છે. રાજ્ય સરકારે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પાછલા બે વર્ષ દરમિયાન 20,950 દર્દીઓના મોત કોવિડ-19 સિવાયના કારણોને લીધે થયા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020ના મે મહિનામાં ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની કામગીરીની ભારે ઝાટકણી કાઢી હતી. જોકે થોડાક દિવસો બાદ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે “આક્ષેપ પ્રમાણે જો રાજ્ય સરકારે અત્યાર સુધી કઈ ન કર્યું હોત તો આજે આપણે બધા કદાચ મૃત્યુ પામી ગયા હોત”

 

ઉલ્લેખનીય છે કે 23મી માર્ચ 2021ના આંકડા પ્રમાણે ગુજરાતમાં કોરોનાથી કુલ 4458 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુના સૌથી વધુ 51 ટકા મૃત્યુ અમદાવાદ જિલ્લામાં થયા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 2338 લોકોના કોવિડ-19ના કારણે મોત નીપજ્યાં છે.

23મી માર્ચ 2021ની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં કોરોનાના 2,90,270 કન્ફર્મ કેસ નોંધાયા છે, જે પૈકી 2,77,603 કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. આ સિવાય રાજ્યમાં કોવિડ એક્ટિવ કેસની સંખ્યા 8318 જેટલી છે. મોટાભાગના એક્ટિવ કેસ અમદાવાદ, સુરત, સહિત 4 મહાનગરોમાં વધુ હોવાનું સમયે આવ્યું છે.

(9:08 pm IST)