Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

નાગરિકોને સસ્તો, ઝડપી અને ઘર આંગણે ન્યાય મળે તે માટે સરકાર કટીબધ્ધ: કાયદા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

ન્યાય વ્યવસ્થાના ઉત્તમ સંચાલન માટે માળખાગત સવલતો પૂરી પાડવા નક્કર આયોજન: ઇજ ઓફ જસ્ટીસ દ્વારા ઇઝ ઓફ ડુઇંગ થકી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવાનો નિર્ધાર:કાયદાનું સુશાસન સુરાજ્યનો આધાર : કાયદાના સુશાસન થકી જ ગુજરાતને દિવ્ય ગુજરાત બનાવાશે: જરૂરિયાત મંદ લોકોને ત્વરીત ન્યાય આપવા લિગલ સર્વીસ ઓથોરીટી દ્વારા સમયબદ્ધ આયોજન: કોરોના કાળમાં પણ અદાલતો દ્વારા વિડીયો કોન્ફરન્સની મદદથી ૧.૮૬ લાખથી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો : ૪૮૪ નવી જગ્યાઓ ભરવામાં આવશે: કાયદા વિભાગની રૂા. ૧,૬૯૮ કરોડની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર

અમદાવાદ :રાજ્યના નાગરિકોને સસ્તો, સરળ, ઘર આંગણે ન્યાય મળી રહે તે માટે હાલની સરકાર કટીબધ્ધ છે. આ સરકાર રાજ્યમાં સુશાસન જાળવવાની નીતિ અનુસરીને ન્યાયપાલિકાને વધુ મજબૂત બનાવવા માટેની પ્રતિબધ્ધતાથી કામગીરી કરી રહી હોવાનું કાયદા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું

કાયદા રાજ્યમંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દષ્ટિવંત નેતૃત્વ અને સમયબધ્ધ આયોજનના પરિણામે આજે ગુજરાત સરકારે કાયદાનું સુરાજ્ય પુરુ પાડયુ છે અને હવે ઇઝ ઓફ જસ્ટીસ થી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ તરફ લઇ જવા અમે આગળ વધી રહ્યા છીએ.  

મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે,મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની અમારી સરકારે  છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે વિવિધ કાયદાઓ હેઠળ ગુજરાતના લગભગ તમામ તાલુકાઓમાં અને પ્રત્યેક જિલ્લામાં કોર્ટની સ્થાપના કરી છે તેનાથી રોકાણકારો અને ઔદ્યોગિક સાહસિકોને ઔદ્યોગિક મામલે થતી તકરારોનો વહેલીતકે નિકાલ મળી રહે તે પ્રકારનું વાતાવરણ રાજ્યમાં ઊભું થયું છે. 

  વિધાનસભામાં કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતા કાયદા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે આગામી નાણાકીય વર્ષ માટે કાયદા વિભાગ માટે રૂા. ૧,૬૯૮ કરોડની રકમની જોગવાઇ કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૩-૨૦૦૪માં આ રકમ રૂા. ૧૪૦.૧૯ કરોડની હતી તેમાં આશરે ૧,૨૧૩ ટકાનો જંગી વધારો આગામી નાણાકીય વર્ષ માટે કરવામાં આવ્યો છે. 

 કોરોના મહામારીના કપરા સમયગાળામાં પણ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ન્યાયિક પ્રક્રિયા કાર્યરત રહે તે માટે રાજ્ય સરકારના દ્રઢ નિર્ધારથી કોર્ટોની કામગીરી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુપેરે હાથ ધરવામાં આવી હોવાનું કાયદા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું. જાડેજાએ જણાવ્યું કે ૨૪મી માર્ચ ૨૦૨૦ થી ૩૧મી ડિસેમ્બર ૨૦૨૦ દરમ્યાન કોરોના કાળમાં હાઇકોર્ટ દ્વારા ૨૮,૬૮૩ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે તાબાની અદાલતોમાં પણ ૧૫મી એપ્રિલ ૨૦૨૦ થી ૩૧મી ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં ૧,૫૭,૯૩૭ જેટલા મળીને કુલ ૧,૮૬,૬૨૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. 

 હવે રાજ્યની વડી અદાલતની ફસ્ટ કોર્ટ કાર્યવાહીનું યુ-ટ્યુબ પર જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવતા કાયદા રાજ્ય મંત્રીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં સૌ પ્રથમ અદાલતની કોર્ટ કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાનું શ્રેય રાજ્યની વડી અદાલતને જાય છે જે આપણા સૌના માટે ગૌરવની વાત છે.  જાડેજાએ જણાવ્યું કે અદાલતી કાર્યવાહીનું યુ-ટ્યુબ પર જીવંત પ્રસારણ થવાથી પક્ષકાર તેમજ સામાન્ય નાગરિકને વડી અદાલતની કઇ કોર્ટમાં કયા નંબરનો કેસ ચાલી રહ્યો છે તેની માહિતી મળી શકે છે, સ્ટેટસ જાણી શકે છે. વડી અદાલત દ્વારા માર્ચ – ૨૦૨૧ થી પોતાની ટેલીગ્રામ ચેનલ પણ શરૂ કરવામાં આવી હોવાનું મંત્રીશ્રી જાડેજાએ જણાવ્યું હતું. આ ચેનલ પર હાઇકોર્ટની દરરોજની નોટીસીસ, કોઝ લિસ્ટ, સર્ક્યુલર્સ, પ્રેસ નોટ્સ અને પ્રેસ રીલીઝ જેવી મહત્વની માહિતી ઉપલબ્ધ કરાવાશે.

 જાડેજાએ વધુમાં જણાવ્યું કે,સુપ્રિમ કોર્ટના દિશા-નિર્દેશના આધારે ગુજરાતની તમામ જિલ્લા કોર્ટ અને તાબાની કોર્ટોને સી.સી.ટી.વી. થી કનેકટ કરવામાં આવેલ છે. જેના કારણે તાલુકા કક્ષાએ થતી કોર્ટની કાર્યવાહી ડિસ્ટ્રિકટ કોર્ટ તેમજ હાઇકોર્ટ જોઇ શકે છે. જે અન્વયે સિટી સિવિલ કોર્ટ, ઔદ્યોગિક અદાલતો, મજુર અદાલતો, મેટ્રો કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ્સ, ફેમિલી કોર્ટ્સ અને તાલુકા કોર્ટ્સ તથા  સેશન્સ કોર્ટ્સ સહિતની અદાલતોમાં ૩૪૩ કોર્ટ બિલ્ડિંગ્સ અને ૧૩૪૫ કોર્ટ રુમ્સમાં સી.સી.ટી.વી. મૂકવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે. હાઇકોર્ટ દ્વારા ડિઝિટલાઇઝેશન તથા સી.સી.ટી.વી અંતર્ગત કામગીરી સંદર્ભે કુલ રૂ. ૪૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે તથા આગામી વર્ષ માટે રૂા. ૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

 જાડેજાએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં જિલ્લા અને સત્ર ન્યાયયાધીશથી લઈને સિવિલ જજ અને જે.એમ.એફ.સી સુધીના કેડરની કુલ  ૧,૦૯૨ કોર્ટો અસ્તિત્વમાં છે. સમયની માંગને અનુલક્ષીને અને બદલાતા ગુનાના પ્રકારો અને ગુનો આચરનારની બદલાતી માનસિકતાને ધ્યાનમાં રાખીને નવા કાયદાઓ ઘડવામાં આવેલ છે અને તે કાયદા હેઠળના કેસો ઝડપથી ચાલે તે માટે ખાસ કોર્ટોની સ્થાપના કરવામાં આવેલ છે. હાલમાં આ પ્રકારની ૫૭૭ સ્પેશ્યલ કોર્ટ કાર્યરત છે.

(8:00 pm IST)