Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સરકાર અને પ્રજા વચ્ચે સાચા અર્થમાં સેતુની ભૂમિકા અદા કરી રહ્યું છે,રાજ્યનો માહિતી વિભાગ : મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

સરકારના વિવિધ લોકહિતલક્ષી કાર્યો-નિર્ણયો તથા મહત્વપૂર્ણ માહિતીઓ ગણતરીની મિનિટોમાં પત્રકાર મિત્રો સુધી પહોંચાડી મીડિયાના માધ્યમ થકી જન જન સુધી પહોંચાડવાની કામગીરીમાં માહિતી વિભાગનો સિંહ ફાળો છે:વૈશ્વિક મહામારીના સમયમાં રાજ્ય સરકાર દ્વારા માનવીય જીવન બચાવવાના જે પ્રયાસો થયા તેની સચોટ વિગતો સમયસર નાગરિકો સુધી પહોંચાડવા માહિતી વિભાગે અદભૂત કામગીરી કરી છે:ટેકનોલોજીના યુગમાં માહિતી વિભાગે પણ સમય સાથે કદમ મિલાવીને અત્યાધુનિક ટેકનોલોજીની મદદ થકી સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કર્યો છે]

અમદાવાદ :રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીને નાગરિકો સુધી બેનમૂન રીતે પહોંચાડવાનું કામ નાના પરંતુ સતત પ્રવૃત્ત એવા માહિતી વિભાગ દ્વારા કરવામાં આવે છે.  વૈશ્વિક મહામારી કોરોનાના વર્ષમાં સમગ્ર વહીવટી તંત્ર માનવીય જીવન બચાવવા માટે ઝઝૂમતુ હતું એ વેળાએ સરકાર દ્વારા જન જાગૃતિ માટે તથા માનવીય જીવન બચાવવાના જે પ્રયાસો થયા તેની સચોટ અને વિસ્તૃત વિગતો નાગરિકો સુધી પહોંચાડવા માટે વિવિધ માધ્યમોની મદદથી માહિતી વિભાગે અદભૂત કામગીરી કરી છે તેમ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
 મંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, પંચાયત વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અને તમામ કોર્પોરેશન સહિત જિલ્લા કક્ષાએ પણ કોવિડના સંક્રમણથી નાગરિકોને બચાવવા તથા તેમને સમયસર મદદરૂપ થવા જે પ્રયાસો થયા તે તમામ માહિતી વિવિધ માધ્યમોના સહયોગ વડે આ વિભાગોએ જનજન સુધી પહોંચાડી છે. સતત કાર્યરત રહી માહિતી અને પ્રસારણ વિભાગે સરકારની કામગીરી સુપેરે રીતે લોકો સુધી પહોંચાડી છે જેના પરિણામે રાજ્યમાં સંક્રમણ અટકાવી શક્યા
 મંત્રી ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, લોકડાઉનના પ્રથમ દિવસથી જ કોવિડ-૧૯ સંદર્ભે સરકારે હાથ ધરેલી કામગીરીની વિગતો મીડિયાના માધ્યમથી આમ જનતાને પહોંચાડવા માટે દિવસની ચાર પત્રકાર પરિષદોનું આયોજન કર્યુ જેમાં આરોગ્યલક્ષી કામગીરી, કાયદો વ્યવસ્થાની કામગીરી તથા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મફત અનાજ વિતરણ સહિત અન્ય રાજ્યોના શ્રમિકોને માદરે વતન પહોંચાડવા માટે રાજ્ય સરકારે રેલ વિભાગ સાથે સંકલન કરી અલાયદી વ્યવસ્થા ગોઠવી આ તમામ કામગીરી નાગરિકો સુધી સુપેરે આ વિભાગે પહોંચાડી છે. એટલું જ નહિ, કોવિડ-૧૯ સંદર્ભે લોકોને સાચી માહિતી સમયસર મળી રહે એ માટે પ્રિન્ટ મીડિયામાં પણ જાહેરાત અને ઇલેકટ્રોનિક્સ મીડિયા દ્વારા કોરોના સંદર્ભે જનજાગૃતિ કેળવાય તે હેતુસર ફિલ્મનું નિર્માણ કરી પ્રસારિત કરવામાં આવી. તે ઉપરાંત દરરોજ સરકારે કરેલી કામગીરી નિયમિત રૂપે પ્રેસનોટ દ્વારા સુચારૂ પહોંચાડીને પ્રચાર-પ્રસિદ્ધિ તથા જિલ્લા કક્ષાએ લોકોના પ્રતિભાવો સહિત કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં જઇને તબીબો- પેરા મેડિકલ સ્ટાફના પ્રતિભાવો સાથે તમામને પ્રોત્સાહન મળે એ માટે સુંદર પ્રચાર-પ્રસિદ્ધિ કરવામાં આવી છે.
 મંત્રીએ ઉમેર્યું કે, માહિતી પ્રસારણ વિભાગ દ્વારા રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના લાભો લોકો સુધી પહોંચે અને સરકારે કરેલી કામગીરીથી લોકો વાકેફ થાય એ માટે ‘‘ગુજરાત’’ પાક્ષિકનું દર મહિને ૧લી અને ૧૬મી તારીખે એમ મહિનામાં બે વાર પ્રકાશન કરવામાં આવે છે. ગુજરાત પાક્ષિકમાં રાજ્ય સરકારે લીધેલા નિર્ણયો, જનહિતલક્ષી યોજનાઓના પરિણામે નાગરિકોને મળેલા લાભો અને થયેલા ફાયદાઓની સાફલ્ય ગાથાઓ પ્રકાશિત કરવામાં આવે છે.

 આ ઉપરાંત મુખ્યમંત્રી, રાજ્યપાલ, મંત્રીઓએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કરેલી મુલાકાતોના અહેવાલ તથા રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોની ઝાંખી ગુજરાત પાક્ષિકમાં રજૂ કરવામાં આવે છે. એક તરફ સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતા રાજ્યના યુવાનો તો બીજી તરફ છેવાડાના ખેડૂતો માટે પણ ગુજરાત પાક્ષિક આશિર્વાદરૂપ સાબિત થયુ છે. ગુજરાત પાક્ષિકમાં સમયાંતરે કૃષિ, ઉર્જા, પ્રવાસન, સ્થાપત્ય, નયનરમ્ય સ્થળો જેવા વિષયો પર વિશેષાંકો વાચકોને પૂરા પાડવામાં આવે છે. ગુજરાત સરકારની કામગીરી દેશ અને દુનિયામાં પહોંચે એ માટે દર ત્રણ મહિને ‘‘ધ ગુજરાત’’  અંગ્રેજી સામાયિક પણ બહાર પાડવામાં આવે છે
 મંત્રી ચુડાસમાએ કહ્યું કે, રાજ્યના યુવાનોને રોજગારલક્ષી માહિતી મળી રહે તે માટે અને વિવિધ ભરતીઓ સંદર્ભેની જાહેરાતો થી યુવાઓ વાકેફ થાય એ માટે મહિનામાં ચાર વખત ‘‘રોજગાર સમાચાર’’ સાપ્તાહિકનું પ્રકાશન નિયમીત રીતે કરવામાં આવે છે. સરકારના વિવિધ વિભાગોની કામગીરી અને સાફલ્ય ગાથાઓ માટે પ્રકિર્ણ પ્રકાશનો પણ આ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. સાહિત્યકારો માટે પ્રતિ વર્ષ દિપોત્સવી અંકનું પણ પ્રકાશન કરવામાં આવે છે જેમાં સાહિત્ય લેખો, કાવ્યસંપુટ, લઘુ કથા, નવલિકાનો દળદાર લેખ પ્રસિદ્ધ કરાય છે. આ વર્ષે કોરોનાની મહામારી હોવા છતાં પણ દિવાળી અંકનું રાબેતા મુજબ પ્રકાશન કરીને સાહિત્યકારોને અણમોલ ભેટ આ વિભાગે આપી છે.
 ઉપરાંત, ટેકનોલોજીના યુગમાં માહિતી વિભાગે પણ સમય સાથે કદમ મિલાવીને અત્યાધુનિક ટેકનોલોજીની મદદ થકી સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કર્યો છે. સોશિયલ મીડિયા બ્રાન્ચ દ્વારા સરકારની જનહિતલક્ષી કામગીરી, નિર્ણયો તેમજ વિવિધ યોજનાઓ સોશિયલ મીડિયાના વિવિધ ટુલ્સ ફેસબુક, યુ ટ્યુબ, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમો થકી ઘડીના છઠ્ઠા ભાગમાં જ પ્રજા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. એટલુ જ નહીં સરકાર અને પ્રજા વચ્ચે સેતુ બની રહેલા આ માહિતી વિભાગ દ્વારા સરકારના વિવિધ લોકહિતલક્ષી કાર્યો તથા મહત્વપૂર્ણ માહિતીઓ ગણતરીની મિનિટોમાં વોટ્સએપ દ્વારા વિવિધ પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક્સ મીડિયાના પત્રકાર મિત્રો સુધી પહોંચાડી મીડિયાના માધ્યમ થકી જન જન સુધી પહોંચાડવાની કામગીરીમાં માહિતી વિભાગનો સિંહ ફાળો છે

(7:50 pm IST)