Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ગુજરાતમાં હોળી પ્રગટાવવાની આંશિક મંજૂરી, ધૂળેટી પર રોક

રાજ્યના નાયબ મુખ્યમંત્રીની હોલીને લઈને સ્પષ્ટતા : પરંપરાગત ધાર્મિક વિધીથી હોળી પ્રગટાવી શકાશે પણ ભીડ એકત્રિત ન થાય તેનું વિશેષરીતે ધ્યાન રાખવું પડશે

અમદાવાદ, તા. ૨૪ : કોરોના વાયરસનો ફેલાવો ફરી વખત વધી ગયો છે. દરરોજ સામે આવતા કેસના આંકડા રેકોર્ડ તોડી રહ્યા છે. જેના કારણે ફરી એક વખત પ્રતિબંધો લાગવાની શરુઆત થઇ છે. ત્યારે કોરોના વાયરસના કારણે આ વખતે હોળીના રંગમાં ભંગ પડ્યો છે. થોડા દિવસ પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હોળી અને ધૂળેટીના તહેવારને લઇને સ્પષ્ટતા કરી હતી.

ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા હોળી ધૂળેટીના તહેવાર અંગે ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન પ્રમાણે હોળીની ઉજવણીને આશિંક છૂટછાટ આપવામાં આવી છે, જ્યારે ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે.

ગાઇડલાઇનમાં જણાવાયું છે કે હોળી-ધૂળેટીના તહેવારોની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટા સંખ્યામાં લોકો એકઠા થાય છે. જેના કારણે કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા છે. જેના કારણે આ વખતે મર્યાદિત સંખ્યામાં પરંપરાગત રીતે ધાર્મિક વિધિથી હોળી પ્રગટાવી શકાશે. પરંતુ આ દરમિયાન ભીડ ના થાય અને કોરોના ગાઇડલાઇનનું પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે.

તો આ તરફ ધૂળેટીની ઉજવણી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ધૂળેટીના દિવસે કિ પણ પ્રકારના જાહેર કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે આ પહેલા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હોળી-ધુળેટીની ઉજવણી અંગે નિર્ણય કરાયો હતો. જેને લઇને આ ગાઇડલાઇન જાહેર કરાઇ છે.

(7:32 pm IST)