Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ખાતે અંદાજપત્ર સત્ર દરમિયાન સૂક્ષ્મ સિંચાઇ સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. 

  મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સૂક્ષ્મ પદ્ધતિથી ખેતીની સુવિધા ઉપલબ્ધ કરાવવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. ખેડૂતની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. ખેડૂતો મબલખ પાક ઉત્પાદન કરે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સુદૃઢ સિંચાઇ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. ખેડૂતો ઓછા પાણીએ વધુ સિંચાઇ કરી શકે તે માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના ‘પર ડ્રોપ મોર ક્રોપ’ અમલી બનાવવામાં આવી છે.
  નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સૂક્ષ્મ સિંચાઇથી વધુ પાક ઉત્પાદનમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહ્યો છે. નાના-મોટા-સીમાંત તમામ ખેડૂતો સૂક્ષ્મ સિંચાઇનો લાભ મેળવે તે માટે સૂક્ષ્મ સિંચાઇનાં સાધનોની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે. સંવેદનશીલ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી સૂક્ષ્મ સિંચાઇનાં સાધનો પર લાગતા GSTને ૧૮% થી ઘટાડીને ૧૨% કરાવ્યો છે. રાજ્યના ૧૨ લાખથી વધુ ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઇ યોજનાનો લાભ લીધો છે
  નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સંવેદનશીલ સરકારનું મુખ્ય લક્ષ્ય સૂક્ષ્મ સિંચાઇ યોજનાનો લાભ રાજ્યના વધુ ને વધુ ખેડૂતોને મળે છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવો યોજી અને કૃષિ વૈજ્ઞાનિકો થકી રાજ્યના ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે. રાજ્યના સામાન્ય ખેડૂતો, નાના ખેડૂતો, મોટા ખેડૂતો, સીમાંત ખેડૂતો તમામને ૭૦ ટકાથી ૯૦ ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે. પરિણામે, રાજ્યના ખેડૂતો માત્ર ૧૦ થી ૧૫ ટકા ચૂકવી ઓછા પાણીએ મબલખ પાક મેળવે છે. જે ખેડૂતે સબસિડી લીધી હોય તે ૭ વર્ષ બાદ ફરીથી તે યુનિટ માટે અરજી કરી શકે છે.  
  નાયબ મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લાની માહિતી આપતા કહ્યું હતું કે તા. ૩૧-૧૨-૨૦૨૦ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં ૨૭,૯૦૬ ખેડૂતોએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ‘પર ડ્રોપ મોર ક્રોપ’નો લાભ લીધો છે. બનાસકાંઠા જિલ્લામાં સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ૩૬૪૯૩ હેકટર વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે.  

(6:55 pm IST)