Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

વડોદરામાં કોરોનાના વધતા કેસ વચ્ચે મેટ્રો હોસ્પીટલમાંથી ર વેન્ટીલેટર મશીનની ચોરી થતા ખળભળાટ

વડોદરા તા.ર૪ : શહેરમાં કોરોનાનાં કુદકે ને ભુસ્કે વધતાં કોરોના કેસોની દહેશત વચ્ચે ખાનગી હોસ્પિટલમાંથી બે વેન્ટિલેટરની ચોરી થઇ છે. કોરોનાનાં બીજા રાઉન્ડમાં ખુબ ઝડપથી કેસો વધતાં વેન્ટિલેટરની માંગ વધી છે, ત્યારે હોસ્પિટલમાંથી બે વેન્ટિલેટર ચોરાતાં તંત્ર દોડતું થયું છે. હાલ તો પોલીસ દ્વારા ચોરોને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

વડોદરામાં કોરોનાનાં બીજા રાઉન્ડે કહેર વર્તાવ્યો છે, જેનાંથી નાગરિકો દહેશતમાં છે. હોસ્પિટલો ફરી એક વાર કોરોના દર્દીઓથી ઉભરાઇ રહી છે. એવામાં સરકારીની સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ બેડની સંખ્યા વધારવાનો વારો આવ્યો છે. કોરોના કેસો વધતાં વેન્ટિલેટરની પણ માંગ વધી છે, તેવામાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાંથી લાખોની કિંમતનાં બે વેન્ટિલેટર મશીનની ચોરી થઇ છે. હરણી વિસ્તારમાં આવેલ જાણીતી મેટ્રો હોસ્પિટલમાંથી વેન્ટિલેટર ચોરી થયાંની ઘટના સામે આવી છે. શહેરમાં જે ખાનગી હોસ્પિટલોને કોવિડ સારવાર માટેની પરવાનગી આપવામાં આવી છે, તેમાં મેટ્રો હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. હોસ્પિટલનાં સ્ટોરરૂમમાં મુકેલાં 4 પૈકી 2 વેન્ટિલેટરની ચોરી થઇ ગઇ હતી. 7 લાખ રૂ.કિંમતનાં બે વેન્ટિલેટરની ચોરી થઇ જતાં હોસ્પિટલ સંચાલકોએ હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

કોરોનાનાં સમયમાં હાલ કોરોનાની માંગ ખૂબ વધી છે. અગાઉ વેન્ટિલેટર ખૂંટી પડવાને કારણે હોસ્પિટલ સંચાલકો અને વહીવટીતંત્રની દોડધામ વધી હતી. કોરોના દર્દીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. તેવામાં કોરોનાકાળમાં વેન્ટિલેટર જેવી અતિકિંમતી મશીનરી ચોરાતાં પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પહેલા ચોરને પકડી વેન્ટિલેટર કબ્જે કરવા માટે તજવીજ હાથ ધરી છે.

(5:10 pm IST)