Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

પાટણનાં સિધ્ધપુરમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવનાર ૪ ઝડપાયા

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ર૪: પાટણ જીલ્લાના સિધ્ધપુર પંથકનાં વેપારીને હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવનાર ૪ ને પોલીસે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ સિધ્ધપુર તાલુકાના વેપારી આધેડને ૧૯ માર્ચ ર૦ર૧ના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં યુવતિએ કહેલ કે, હું લણવાથી કોમલ પ્રજાપતિ બોલું છું. જો કે વેપારીએ કહેલ કે, હું તમને નથી ઓળખતો, તો સામે યુવતિએ કહેલ કે, હું તમને ઓળખું છું મારે તમને મળવું છે તેમ કહી ફોન મુકી દીધો હતો. જે બાદમાં વારંવાર યુવતિએ ફોન કરતાં વેપારી કંટાળીને તેને મળવા ગાડી લઇ પહોંચ્યાં હતાં. જયાં દેથળી નજીક સીમમાં યુવતિના સાગરીતોએ આવી ગાડીને આંતરી વેપારીને માર મારી સોનાની ચેઇન કિ. રૂ. ૭૦ હજારની પડાવી લીધી હતી.

જે. આર. મોથલીયા પોલિસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા જીલ્લા પોલિસ વડાની સુચના આધારે સિદ્ધપુર ડીવાયએસપી જે. ટી. સોનારા દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી. ત્યારે આજરોજ વેપારીએ આરોપીઓને ર,૪૦,૦૦૦ રૂપિયા આપવાનો વાયદો કર્યો હોઇ પોલિસ ફરિયાદીને સાથે રાખી આ કામના આરોપીઓએ કાકોશી ચાર રસ્તા પર આવેલ હોટલે પૈસા લેવા સારૃં આવનાર હોવાનું જણાવતા પોલિસે છટકુ ગોઠવી આ કામના ચાર આરોપીઓ ઠાકોર પરેશજી કાન્તીજી રહે. ચારુપ તા. સરસ્વતી, ઠાકોર ભીખાજી ઉર્ફે ટીનાજી પુંજાજી રહે. હાંસાપુર તા. જી. પાટણ, ઠાકોર ઉત્તમજી દેવાજી રહે. વામૈયા તા. સરસ્વતી, ઠાકોર રોહિતજી કાન્તીજી રહે. ધારપુર તા. જી. પાટણ એક સફેદ કલરની આઇ-ર૦ ગાડી નં. જી.જે. ૧૮-બી. કે. ૯૮૯૮ની લઇ આવતા પકડી પાડયા હતા તેમનો કોરોના ટેસ્ટ કરાવી અટક કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ આ ગુનામાં આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ મારક હથીયારની છરી તથા સોનાનો દોરો કિ. રૂ. ૭૦ હજાર રીકવર કરવામાં આવી હતી અને આ અંગેની વધુ તપાસ ચલાવી રહી છે.

(4:16 pm IST)