Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મહારાષ્ટ્રમાંથી ગુજરાત આવતા લોકો માટે હવે RT-PCR ટેસ્ટ ફરજીયાતઃ વેકનીસેશન વધારોઃ કલેકટરોને વીસીમાં સુચના

આખા ભારતમાં ગુજરાત વેકનીસેશન અંગે નંબર વનઃ રાજકોટ જીલ્લામાં ૩૦૦ કેન્દ્રો ઉપર રસી અપાઇ રહી છે : સમરસ હોસ્ટેલના તમામ ૪ માળ કોરોના સંદર્ભે લઇ લેતા કલેકટરઃ રપ૦ વિદ્યાર્થીઓને કુમાર છાત્રાલયમાં ખસેડાશે :વધુ ૧૧ ખાનગી હોસ્પીટલે વેકસીનેશન માટે મંજૂરી માંગી : જીલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર દ્વારા આજથી ૧૦ હજાર માસ્કનું વિતરણઃ ૪ર૦૦ લોકોને તબકકાવાર ન્યુટ્રીશયન કીટ આપવા કાર્યવાહી

રાજકોટ તા. ર૪ :.. રાજયના આરોગ્ય મંત્રી શ્રી જયંતિ રવી, મુખ્ય સચિવ તથા મહેસુલ અગ્ર સચિવ શ્રી પંકજકુમારની રાજયના તમામ કલેકટરો સાથે સવારે ૧૦ાા થી ખાસ વીસી યોજાઇ હતી, અને કોરોના સંદર્ભે યોજાયેલ આ વીસીમાં વેકસીનેશન વધારવા અને ધડાધડ કાર્યવાહી કરવા આદેશો કર્યા હતાં.

દરમિયાન એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે વીસીમાં સુચના અપાઇ હતી કે મહારાષ્ટ્રમાંથી ગુજરાત આવતા તમામ લોકોએ છેલ્લા ૭ર કલાકમાં આરટી-પીસીઆર ટેસ્ટ ફરજીયાત કરવાનો રહેશે, અને આ ટેસ્ટ નેગેટીવ હોય તો જ પ્રવેશ મળશે.

આ ઉપરાંત મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરનાર તમામ વ્યકિતઓનું સ્ક્રીનીંગ ફરજીયાત કરવાનું રહેશે, આવો પરિપત્ર આદેશ તમામ કલેકટર - મ્યુ. કમિશ્નરોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નાયબ વનરાજસિંહ પઢારીયાએ જાહેર કર્યો છે.

દરમિયાન એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લામાં કુલ ૩ર૦ કેન્દ્રો ઉપર રસીકરણ થઇ રહ્યું છે, રાજકોટ શહેરમાં ૧૧ ખાનગી સહિત કુલ રર હોસ્પીટલમાં રસી અપાઇ રહી છે, અને વધુ ૧૧ ખાનગી હોસ્પીટલ દ્વારા વેકસીનેશન અંગે મંજૂરી મંગાઇ છે, જે દિલ્હીથી મંજૂરી મળ્યે કાર્યવાહી શરૂ થશે, પરંતુ આપણું ગુજરાત વેકસીનેશનમાં દેશમાં પ્રથમ નંબરે છે, ઝડપી કાર્યવાહી થઇ રહી છે.

તેમણે જણાવેલ કે સમરસ હોસ્ટેલના તમામ ચારેય માળ લઇ લેવાયા છે, જયાં ૬૦૦ આસપાસ બેડ રહેશે, પહેલા બે માળમાં કોવીડ કેર સેન્ટર, તો બીજા ર માળમાં ઓકસીઝન પાઇપ લાઇન સાથેના બેડ શરૂ કરી દેવાશે, જે ર થી ૩ દિ'માં શરૂ થઇ જશે. જયારે સમરસ હોસ્ટેલમાં રહેતા રપ૦ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને કુમાર છાત્રાલયમાં ખસેડી દેવા સુચના અપાઇ છે.

તેમણે જણાવેલ કે આજથી જીલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા કપડાનાં ૧૦ હજાર માસ્કનું વિતરણ શરૂ કરી દેવાયું છે, અને ૪ર૦૦ લોકોને ન્યુટ્રીશયન કીટ પણ તબકકાવાર આપવાનું શરૂ કરાયું છે.

(3:24 pm IST)