Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

વડોદરાના મકરપુરા GIDCમાં અગરબત્તીની કંપનીમાં ભીષણ આગ ભભૂકી : ફાયર બ્રિગેડનો મેજર કોલ જાહેર

અગરબત્તી બનાવવાનો જથ્થો બળીને ખાખ : જ્વલનશીલ હોવાના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું: ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

વડોદરા: શહેરના મકરપુરા GIDCમાં અગરબત્તી બનાવતી કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. શ્રીજી અગરબત્તી કંપનીમાં અચાનક લાગેલી આગે વિકરાણ રૂપ ધારણ કરતાં ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂમાં કરવા માટે કોશિશ કરી રહી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરાના મકરપુરા GIDC વિસ્તારમાં બે માળની શ્રીજી અગરબત્તી કંપની આવેલી છે. જેમાં પહેલા માળે વહેલી સવારે 4:00 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગતા અગરબત્તી બનાવવાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ માલ જ્વલનશીલ હોવાના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું

આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ કાફલા સાથે આવી પહોંચી હતી. બીજી તરફ આગ વધુ ફેલાઈને કોઈ જાનહાનિ કરે તે પહેલા જ આસપાસ આવેલા શેડના વીજ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યા હતા.

અગરબત્તી કંપનીમાં આગ કેવી રીતે લાગી તેની કોઈ સત્તાવાર જાણકારી નથી મળી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આ આગમાં કંપનીમાં રહેલો કાચો માલ બળી જવાથી લાખો રૂપિયાના નુક્સાનનો અંદાજો લગાવાઈ રહ્યો છે.

(1:25 pm IST)