Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ગાંધીનગર મનપા ચૂંટણી લડવા ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો : 11 વોર્ડની 44 બેઠકો માટે 440થી વધુ દાવેદારો

પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામો ફાઈનલ કરાશે: આવતા સપ્તાહે ભાજપ દ્વારા ઉમેદવારોનાં નામોની સતાવાર ઘોષણા કરી દેવાશે

ગાંધીનગર :આગામી 18મી એપ્રીલના રોજ યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેશરિયો લહેરાવવા ભાજપે પૂરજોશમાં તૈયારી આરંભી દીધી છે.કમળનાં પ્રતિક પરથી ચૂંટણી લડવા દાવેદારોનો રાફડો ફાટયો છે. 11 વોર્ડની 44 બેઠકો માટે 440થી વધુ દાવેદારો છે.દરમિયાન ઉમેદવારો ફાઈનલ કરવા માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. આવતા સપ્તાહે ભાજપ પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી દેશે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થવા પામી છે. આવામાં હવે આગામી 18મી એપ્રીલના રોજ યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે તાજેતરમાં ભાજપના નિરીક્ષકો દ્વારા ચૂંટણી લડવા ઈચ્છકોને તથા સંભવિતોને સાંભળવામાં આવ્યા હતા. જેમાં વોર્ડવાઈઝ 40 થી વધુ દાવેદારો એ દાવેદારી નોંધાવી હતી.

ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ભાજપના પ્રતિક પરથી ચૂંટણી લડવા 440 જેટલા દાવેદારો મેદાનમાં છે. દરમિયાન ઉમેદવારના નામો નકકી કરવા માટે આજે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં નિરીક્ષકો સાથે ચર્ચા વિચારણા કરી સંભવિતોના નામોની પેનલો બનાવશે. આવતા સપ્તાહે ભાજપ દ્વારા ઉમેદવારોનાં નામોની સતાવાર ઘોષણા કરી દેવામાં આવેતેવી સંભાવના હાલ જણાય રહી છે.

(12:16 pm IST)