Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

૨૦૨૨ સુધીમાં તમામ લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર થશે

આવાસ સાથે બાથરૂમ બનાવવા વધારાની ૫ હજારની સહાય

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર,તા. ૨૪:ગ્રામ વિકાસ મંત્રી શ્રી આર.સી.ફળદુ એ જણાવ્યુ છે કે, રાજયના ગામડાઓનો સુગ્રથિત વિકાસ એ જ નિર્ધાર સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અમે આગળ વધી રહ્યા છીએ જેના સારા પરિણામે પણ અમને મળ્યા છે. રાજયના તમામ ઘરવિહોણા અને કાચા આવાસ ધરાવતા કુટુંબોને ૨૦૨૨ સુધીમાં ઘરના ઘરનુ સપનુ સાકાર કરવાનો રાજય સરકારનો દ્રઢ નિર્ધાર કયો છે.

મંત્રી શ્રી ફળદુએ ઉમેર્યું હતુ કે,ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ,ગામડાઓની સમૃદ્ઘિ અને સુખાકારી સાથે જ રાજય અને રાષ્ટ્રનો વિકાસ થાય તેવા આશયથી અમે સમયબધ્ધ આયોજન અને પરિણામલક્ષી કામગીરી કરી છે જેના પરિણામે જ લોકોનો વિશ્વાસ અમારી પર વધુ મજબૂત બન્યો છે એને અમે એળે નહી જવા દઈએ.

મંત્રીશ્રી ફળદુ એ ઉમેર્યું કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) દીન-દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (SBM-G) પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSU-WC) શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન (SPMRM)

મંત્રીશ્રી એ ઉમેર્યું કે, 'વર્ષ ૨૦૨૨ સુધીમાં સૌને ઘર' હેતુથી પ્રધાનમંત્રીશ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) વર્ષ ૨૦૧૬માં અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના હેઠળ રાજયના તમામ ઘરવિહોણા અને કાચા આવાસ ધરાવતા કુટુંબોને ૨૦૨૨ સુધીમાં આવરી લેવાનો રાજય સરકારનો દ્રઢ નિર્ધાર છે.અગાઉ ઇન્દિરા આવાસ યોજનામાં રૂમ.૭૦,૦૦૦ ની સહાય આપવામાં આવતી હતી.આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કુલ રૂ.૧,૫૨,૧૬૦/- ની સહાય મળવાપાત્ર છે.

ઉપરાંત 'મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના' હેઠળ, પ્રથમ હપ્તો આપ્યા બાદ ૬ માસની અંદર આવાસ પૂર્ણ કરનાર લાભાર્થીને રૂ.૨૦,૦૦૦ની અતિરિકત સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ કુલ ૪,૫૦૦ લાભાર્થીઓને રૂ.૯૦૦ લાખની અતિરિકત સહાય ચૂકવવામાં આવી છે.વર્ષ ૨૦૨૦-૨૧ અંતર્ગત રાજય સરકારશ્રી દ્વારા ગ્રામીણ મહિલા લાભાર્થીઓને ધ્યાનમાં રાખીને આવાસની સાથે બાથરૂમ બાંધકામ માટે લાભાર્થી દીઠ રૂ.૫૦૦૦/-ની વધારાની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે.આ યોજના અંતર્ગત ૧,૦૩,૨૭૨ આવાસોના નિર્માણ માટે વર્ષ ૨૦૨૧-૨૨ માં કુલ ૧૨૫૦.૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

જીવનનિર્વાહની તકો વધારવા માટે નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦ દિવસની સવેતન રોજગારીની બાંહેધરી આપવામાં આવેલ છે.સમયસર વેતન ચૂકવણીમાં ૯૮.૧૮ % સિદ્ઘિ હાંસલ કરવામાં આવેલ છે.તા.૧૬ માર્ચ,૨૦૨૧ અંતિત કુલ ૧૧.૧૩ લાખ કુટુંબોને કુલ ૪૬૧.૪૪ લાખ માનવદિનની રોજગારી પૂરી પાડવામાં આવેલ છે.મનરેગા યોજના હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન તા.૧૬-૦૩-૨૦૨૧ અંત સુધીમાં રૂ. ૧,૨૨,૬.૧૧ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે.

મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ઉપયોગી અસ્કયામતો ઉભી થાય તે માટે જૂથ કુવા, બાગાયત નર્સરી, ગ્રામ પંચાયત ભવન, આંગણવાડી કેન્દ્રો, સેગ્રીગેશન શેડ, અનાજ સંગ્રહ માટેના ગોડાઉન, સ્વસહાય જુથ સંચાલીત લઘુ ઉદ્યોગો માટે વર્ક શેડ, કેટલ શેડના કામોના જરૂરી માલસામાનની ખરીદી માટે રાજય સરકારશ્રી દ્વારા રૂ. ૧૦૦.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. મનરેગા યોજના અતર્ગત વર્ષ-૨૦૧૩-૧૪માં કેન્દ્ર સરકાર દ્વારા ર.૩૩૫.૩૦ કરોડ ગ્રાન્ટ મળેલ હતી. તેમજ ચાલુ વર્ષે ર.૧૪૩૪. ૮૬ કરોડની કુલ ગ્રાન્ટ મળેલ છે. આમ, ૩૨૭ ગણો વધારો થયેલ છે.

મંત્રી શ્રી ફળદુ એ ઉમેર્યું કે, દીન-દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારની બહેનોનું જીવન ધોરણ ઉંચુ આવે તેમજ ગ્રામ્ય વિસ્તારની બહેનો આર્થિક રીતે પગભર થાય તે માટેની કામગીરી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૨.૪૪ લાખ મહિલા સ્વસહાય જુથોની રચના તથા ૧.૭૬ લાખ સ્વસહાય જુથોને રીવોલ્વીંગ ફંડની ફાળવણી કરવામાં આવેલ છે.

 તેમણે કહ્યુ કે, મહિલા આર્થિક સશકિતકરણની દિશામાં ગુજરાત રાજય દ્રારા વર્ષ : ૨૦૧૦ માં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (જી.એલ.પી.સી.) ની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા ભારત સરકારશ્રીનાં નેશનલ રૂરલ લાઇવલીદહુડ મીશન કાર્યક્રમ- આજીવિકા યોજના (NRLM) નો અમલ કરવામાં આવે છે

આર્થિક રીતે નબળા કુટુંબોના જીવન ધોરણમાં સુધારો લાવવા રાજય સરકાર દ્વારા મહિલાઓના સશકિતકરણ માટે તેઓના સ્વસહાય જૂથ (સખીમંડળ), ગ્રામ સંગઠન, કલસ્ટર લેવલ ફેડરેશન બનાવી તેઓને આજીવિકા માટેની તાલીમ આપી, નાણાંકિય સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેઓ દ્વારા ઉત્પાદિત થતી ચીજ-વસ્તુઓના વેચાણ માટે બજાર સાથે સાંકળી તેઓને આર્થિક ઉપાર્જન મદદરૂપ થવામાં આવે છે.

મંત્રી શ્રી એ ઉમેર્યું કે,પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના (વોટરશેડ કમ્પોનન્ટ) અંતર્ગત સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ અમલી બનાવ્યો છે જેનો મુખ્ય હેતુ કુદરતી સંસાધનો જેવા કે, ભૂમી, ભેજ

અને વૃક્ષાચ્છાદિત આવરણને સુયોજિત કરી પર્યાવરણ સ્ત્રોતનું સંતુલન કરવાનું છે.છેલ્લાં ચાર વર્ષમાં (વર્ષ ૨૦૧૭-૧૮ થી વર્ષ ૨૦૨૦-૨૧ (જાન્યુઆરી-૨૦ અંતિત) ) જળસંગ્રહ માટે કુલ ૧૬૩૪૦ કામો તેમજ ભુમિ ભેજ સંરક્ષણના કુલ ૨૬૪૧૯ કામો કરવામાં આવેલ છે.આ કામોથી કુલ ૪૦ મીલીયન કયુબિક મીટર (૪૦૦.૦૦ લાખ ઘનમીટર) પાણીનો સંગ્રહ થયેલ છે, જેનાથી કુલ ૪૬૯૫૦ હેકટર વિસ્તારમાં સિંચાઇનો લાભ ઉપલબ્ધ થયેલ છે.

(11:35 am IST)