Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ગુજરાતમાં ૨.૬૭ કરોડ વાહનોઃ રાજકોટ, જૂનાગઢ, ભાવનગરમાં નવા ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક બનાવાશે

એસ.ટી. નિગમની ૮૩૦૦ બસોમાં રોજ સરેરાશ ૨૫ લાખ લોકોની મુસાફરીઃ ફળદુ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૨૪ :. વાહન વ્યવહાર મંત્રી શ્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજીટલ ઈન્ડીયાના સ્વપ્નને સાકાર કરવા માટે રાજ્યની આરટીઓ સંબંધિત તમામ ૮૦ સેવાઓને સારથી ૪.૦ અને વાહન ૪.૦ એપ્લીકેશન દ્વારા નાગરિકોને ઓનલાઈન ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. આવી અરજીઓની સંખ્યા દર વર્ષે ૧ કરોડ કરતા પણ વધારે છે. શિખાઉ લાયસન્સની કામગીરી ૩૬ આરટીઓના બદલે ૨૨૧ આઈ.ટી.આઈ. અને ૨૯ પોલીટેકનિકથી શરૂ કરવામાં આવતા ૮.૫૫ લાખ અરજદારો દ્વારા આ સેવાનો લાભ લેવામાં આવ્યો છે. અરજદારની ઉપસ્થિતિ વગર પુરી પાડવામાં આવેલ વધારાની વાહન અને સારથી સંબંધિત કુલ ૧૭ સેવાઓ શરૂ કરાઈ છે. જેને પગલે અંદાજે ૪૫ લાખ લોકોને દર વર્ષે આરટીઓ કચેરીની મુલાકાત લેવી પડતી હતી તેમાથી મુકિત મળી છે.

વાહન વ્યવહાર મંત્રી શ્રી ફળદુએ વધુમાં જણાવ્યુ કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ વાહન વ્યવહાર ખાતા માટે ૧૪ નવેમ્બર ૨૦૧૯નો દિવસ ઐતિહાસિક પુરવાર થયો છે. આ દિવસે રાજ્યના નાગરિકો માટે અપેક્ષાઓની માંગણીઓને ધ્યાનમાં રાખીને ત્રણ ઐતિહાસિક નિર્ણયો કરવામાં આવ્યા. રાજ્યમાં ચેકપોસ્ટ નાબુદી, શિખાઉ લાયસન્સ નીકળવાની કામગીરી માત્ર ૩૬ આરટીઓના બદલે ૨૨૧ આઈ.ટી.આઈ. અને ૨૯ પોલીટેકનીકથી પણ શકય બનાવવામાં આવી અને તે ઉપરાંત ફેસલેસ કામગીરી માટે અરજદારની ઉપસ્થિતિ વગર વાહન અને સારથી સંબંધિત સેવાઓની અમલવારી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

દરેક જીલ્લાને અદ્યતન અને સુવિધાયુકત આરટીઓ કચેરી નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવી એ સરકારની નેમ છે. ચાલુ વર્ષે દાહોદ, ભાવનગર, ડાંગ અને ગોધરા ખાતે નવી આરટીઓ કચેરી બાંધકામ કરવામાં આવનાર છે. એટલુ જ નહિ, ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક માટે અરજદારોને પ્રતિક્ષા ન કરવી પડે અને પારદર્શક પ્રક્રિયા રહે તે માટે સરકારે નવા ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક બનાવવાનો નિર્ણય લીધો છે. તે અંતર્ગત અમદાવાદ, વડોેદરા, સુરત, મહેસાણા, રાજકોટ, ભાવનગર, હિંમતનગર, જૂનાગઢ અને પંચમહાલ ખાતે નવા ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવનાર છે.

વર્ષ ૧૯૯૬-૯૭માં કુલ નોંધાયેલ વાહનોની સંખ્યા ૩૭.૭૬ લાખ હતી. જે આજે ૨.૬૭ કરોડ થઈ છે. માર્ગ સલામતી એ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. આ ઉદ્દેશને ફળીભૂત કરવા માટે રાજ્ય સરકારે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી એકટ ૨૦૧૮ ઘડી તેને અમલમાં મુકેલ છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૯ની તુલનામાં માર્ગ અકસ્માતોની સંખ્યા અને જાનહાનિના પ્રમાણમાં અનુક્રમે અંદાજે ૨૧ ટકા અને ૧૬ ટકાથી વધારે ઘટાડો શકય બન્યો છે. આગામી વર્ષોમાં અકસ્માતો ખાસ કરીને જાનહાનિ તેમજ ગંભીર ઈજાઓના પ્રમાણમાં હજુ ઘટાડો કરી શકાય તે દિશામાં રાજ્ય સરકાર વિશેષ પ્રયત્નશીલ છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, એસ.ટી. નિગમ ૧૬ વિભાગો, ૧૨૫ ડેપો અને ૨૦૯ કંટ્રોલ પોઈન્ટથી ૮,૩૦૦થી વધુ બસો દ્વારા ૭,૪૯૬ શીડયુલ થકી ૪૪,૨૬૮ ટ્રીપોથી કુલ ૩૩.૮૬ લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક ૨૫ લાખ મુસાફરોને અસરકારક જાહેર પરિવહનની સુવિધા પુરી પાડે છે. એસ.ટી. નિગમ દ્વારા ગુજરાતના ૯૯.૩૪ ટકા ગામડાને જાહેર પરિવહનની સેવા થકી આવરી લેવામાં આવ્યા છે. વોલ્વો, સ્લિપર કોચ જેવી આધુનિક એ.સી. કોચ બસો દ્વારા મુસાફરોને છેલ્લા કેટલાય વર્ષોથી ભાડામાં કોઈ પણ વધારો કર્યા વિના સેવા કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી નિગમ પોતાના વર્કશોપમાં જ નવી બસોનું બોડી બિલ્ડીંગ કામ જાતે જ કરે છે. જેના કારણે ખુલ્લા બજાર કરતા પ્રતિ બસ રૂ. બે લાખ જેવો ફાયદો થાય છે.

વર્ષ ૨૦૦૧ પહેલા ૧૦૯.૯૦ કરોડ કિ.મી.નું વાર્ષિક સંચાલન થતુ હતુ જે વધીને અત્યારે વર્ષ ૨૦૨૧માં ૧૧૬.૯૨ કરોડ કિ.મી.નું વાર્ષિક સંચાલન થાય છે. તે સમયે રાજ્યના ૭૫ ટકા વિસ્તારને એસ.ટી. બસ સુવિધા પુરી પાડવામાં આવતી હતી. જે વધારીને હવે રાજ્યના ૯૯.૩૪ ટકા વિસ્તારને એસ.ટી. બસ સુવિધા પુરી પાડવામાં આવે છે.

અગાઉ એક જ પ્રકારના વાહનોથી સંચાલન કરવામાં આવતુ હતુ. હવે વૈવિધ્યસભર વાહનો જેવા કે સુપર એકસપ્રેસ, ગુર્જરનગરી, મીની બસ, નોન-એ.સી. સ્લીપર, એ.સી. સ્લીપર તેમજ વોલ્વો પ્રકારની પ્રીમીયમ સર્વિસોથી સંચાલન થાય છે. તે ઉપરાંત અત્યારે ગ્રામિણ વિદ્યાર્થીનીઓને ૧૦૦ ટકા (ફ્રી) ના રાહત દરે પાસ ઈસ્યુ કરવામાં આવે છે. કેન્સરના દર્દીઓને ભાડામાં ૧૦૦ ટકા અને થેલેસેમિયા તેમજ સિકલસેલ એનીમીયાના દર્દીઓને ભાડામાં ૫૦ ટકા રાહત દરની યોજના ઉપલબ્ધ છે. માન્ય પત્રકારો તથા રેડીયો અને ટીવીના પ્રતિનિધિઓને ભાડામાં ૧૦૦ ટકા રાહત દરની યોજના ઉપલબ્ધ છે.

(11:34 am IST)