Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સ્મૃતિ સત્ર પર્વે શ્રી સ્વામિનારાયણ મંદિર, મોરડુંગરામાં પ્રાર્થના સભા : શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણોનું આયોજન: પુણ્યસલીલા મહિસાગર - કડાણા ડેમ પર અસ્થિ સુમન કળશનું વેદોક્ત મંત્રોચ્ચાર સહ પૂજન કરવામાં આવ્યું

 મહિસાગર : મહિસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમની વાત કરીએ તો ડેમ ગુજરાત રાજ્યમાં સરદાર સરોવર - નર્મદા ડેમ, ઉકાઈ ડેમ પછીનો ગુજરાતનો ત્રીજા નંબરનો સૌથી મોટો ડેમ છે.

મહિસાગર ઉપરાંત ખેડા આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા આમ નવ જિલ્લાના જીવાદોરી સમાન એવા કડાણા ડેમમાં કડાણા હાઇડ્રો પ્રોજેક્ટ આવેલ હોવાથી વીજળીનું ઉત્પાદન પણ થાય છે પાવર હાઉસમાં 60 મેગા વોટના ચાર હાઇડ્રો યુનિટ દ્વારા કુલ 240 મેગાવોટ એટલે કે કરોડો રૂપિયાની વીજળી પણ ઉત્પન્ન થઇ રહી છે.

આવા દરેકની જીવાદોરી સમાન કડાણા ડેમ - મહિસાગર નદીની તળેટી પર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સ્મૃતિ સત્ર પર્વે મહિસાગર - કડાણા ડેમ પર પ્રાર્થના સભા રાખવામાં આવી હતી.

 તેઓશ્રીના અનુગામી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા મોટેરા સંતો-મહંતોએ અસ્થિ કુંભનું કંકુ-ચોખા, અબીલ ગુલાલ, પુષ્પોથી પૂજન અર્ચન કર્યા બાદ સર્વેએ આરતી ઉતારી હતી. જનમંગલના નામ રટણ સહ અને કઠોર હૃદયે સર્વે સંતો ભક્તોએ અસ્થિ કુંભને વધાવ્યો હતો. સર્વે પૂજ્ય સંતો તથા હરિભક્તો મહિસાગર નદીના જળમાં ઊભા રહી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન્ય કરી હતી. ત્યાર પછી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીએ પવિત્ર મહિસાગર નદીને પાવન કરવા શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ જળમાં પધાર્યા હતા. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાના પાદારવિન્દથી પાવન થયેલી મહિસાગર નદી ઉત્સાહિત દીસતી હતી.

શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ ઉપક્રમે તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સ્મૃતિ સત્ર પર્વે ત્રિદિનાત્મક ઉત્સવમાં પંચમહાલના ન્યાલકરણ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ, શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ તથા પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદનું શ્રવણ સૌ સંતો તથા ભકતોએ કર્યા હતા. સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ અવસર ઉજવવામાં આવ્યો હતો.

(10:53 am IST)