Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

નવસારી : ઇમરજન્સી બારીમાંથી ચાલુ ટ્રેને બે વર્ષની બાળકી નીચે પટકાઈ :અદભુત બચાવ

અમલસાડ સ્ટેશન માસ્તરે તાત્કાલિક બાળકીને શોધવા માટે બીલીમોરા રેલવે પોલીસને જાણ કરી :વલસાડ પોલીસના ડી સ્ટાફ અને બીલીમોરા આરપીએફના જવાન શૈલેષ પટેલે બાળકીની શોધખોળ આદરી

નવસારીના એક પરિવાર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. આ દરમિયાન તેમના બે વર્ષની પુત્રી ટ્રેનની ઇમરજન્સી બારીમાંથી નીચે પટકાઈ હતી. પરિવારનો જીવ અધ્ધર થઈ ગયો હતો. જોકે, રેલવે પોલીસમાં ફરજ બજાવતા જવાને બાળકીને પાટા ઉપર ચાલીને શોધી કાઢી હતી. નીચે પટકાવાથી બાળકીને ઈજાઓ પહોંચી હતી. જોકે તેનો જીવ બચી ગયો હતો.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મહેશ હેંચા નામનો વ્યક્તિ તેની બે વર્ષની દીકરી રુહી સાથે વલસાડના ભીલાડથી મધ્ય પ્રદેશના દેવાસ જવા માટે નીકળ્યો હતો. મહેશ સાથે તેની બે વર્ષની દીકરી રુહી પણ હતી. આ દરમિયાન રુહી ઇમરજન્સી બારીમાંથી નીચે પડી ગઈ હતી. પરિવારને રુહી ગાયબ થયાની જાણ થતાં જ ચેન પુલિંગ કરવામાં આવ્યું હતું. જે બાદમાં ટ્રેન અમલસાડ સ્ટેશન ખાતે ઊભી રહી હતી. જે બાદમાં બનાવ અંગેની જાણ અમલસાડ સ્ટેશન માસ્તરને કરવામાં આવી હતી.

બાળકી પડી જવાની ઘટના બાદ અમલસાડ સ્ટેશન માસ્તરે તાત્કાલિક બાળકીને શોધવા માટે બીલીમોરા રેલવે પોલીસને જાણ કરી હતી. જે બાદમાં વલસાડ પોલીસના ડી સ્ટાફ અને બીલીમોરા આરપીએફના જવાન શૈલેષ પટેલે બાળકીની શોધખોળ આદરી હતી. બાળકી ચાલુ ટ્રેનમાંથી નીચે પડી હોવાથી તમામ લોકોએ ટ્રેનના પાટા પર ચાલીને શોધખોળ શરૂ કરી હતી. મોડીરાત્રે 12 વાગ્યાથી બે વાગ્યા સુધી બાળકીની શોધખોળ કરવામાં આવી હતી.

શેલૈષ પરમાર અને અન્ય ટીમ જ્યારે બાળકીની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે બીલીમોરા નજીક તલોધ ગરનાળા પાસે બાળકી રડી રહી હોવાનો અવાજ સંભળાયો હતો. જે બાદમાં પોલીસનો સ્ટાફ અવાજ તરફ દોડી ગયો હતો. તપાસ કરતા બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં પડી હતી. જે બાદમાં તેણીને તાત્કાલિક સારવાર માટે બીલીમોરા ખસેડવામાં આવી હતી.

હૉસ્પિટલ ખાતે સારવાર બાદ ડૉક્ટરોએ બાળકીને ભયમુક્ત જાહેર કરી છે. રેલવે પોલીસના જવાન શેલૈષ પટેલની કાબિલે દાદ ત્વરિત કામગીરીને પગલે બાળકી હેમખેમ મળી આવી હતી. જો, બાળકીને શોધવામાં મોડું થયું હોત તો ઈજાને કારણે તેની હાલત ગંબીર બની જાત અથવા શ્વાન કે અન્ય કોઈ પ્રાણીઓ તેણીને નુકસાન પહોંચાડી શકતા હતા.

(10:53 am IST)