Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ગુજરાત યુનિવર્સિટીએ મોકૂફ રાખેલી પરીક્ષાની નવી તારીખ થઇ જાહેર: હવે 12 એપ્રિલથી લેવાશે પરીક્ષા

વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા-પરીક્ષા સ્થળમાં કોઇ ફેરફાર નહીં

અમદાવાદ : કોરોનાના કારણે ગુજરાત યુનિવર્સિટીએ મોકૂફ રાખેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દીધી છે. 12મી એપ્રિલથી પરીક્ષાઓ ફરીથી યોજાશે તેવું ગુજરાત યુનિવર્સિટી તરફથી કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ યુનિવર્સિટીની પરીક્ષાઓ 18 માર્ચના રોજ થવાની હતી, પરંતુ કોરોનાનો પ્રકોપ વધતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી

  યુનિવર્સિટી સંલગ્ન આર્ટસ, કોમર્સ, સાયન્સ, લો, એજ્યુકેશન વિદ્યાશાખાની ગત 18 માર્ચથી પરીક્ષા શરૂ થઈ હતી. પરંતુ એક પેપર પુરું થયા બાદ કોરોનાના કેસ વધી જતા મોકૂફ રાખવામાં આવી હતી. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધતા સરકારે 10 એપ્રિલ સુધી તમામ સ્કૂલ-કોલેજ બંધ રાખવા આદેશ કર્યો છે

  જોકે તંત્ર દ્વારા હવે કરેલી જાહેરાત મુજબ આગામી 12 એપ્રિલથી મોકૂફ રખાયેલ પરીક્ષાઓ લેવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા-પરીક્ષા સ્થળમાં કોઇ ફેરફાર નહીં હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીના કારણે પહેલા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી(GTU) અને ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. GTU બાદ ગુજરાત યુનિવર્સિટીની તારીખ 8થી 17 ડિસેમ્બર સુધી યોજનારી પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, હવે નવી તારીખોનું જાહેરાત કરવામાં આવી છે

(11:55 pm IST)