Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

2006 કાલુપુર રેલવે સ્ટેશન બ્લાસ્ટનો લશ્કરે તોયબાનો વોન્ટેડ આરોપી મોહસીન ઝડપાયો

ગુજરાત એટીએસની ટીમે આંતકી મોહસીન પુનાવાળો પુણે હોવાનું જાણતા પુણેથી તેને ઝડપી લીધો

અમદાવાદ: શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ 2 અને 3 વચ્ચે થયેલ બોમ્બ બ્લાસ્ટ બાદ અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં ગુનો નોંધાયો હતો. 2006માં થયેલા બ્લાસ્ટ લશ્કરે તોયબાના આતંકવાદી ષડયંત્ર હોવાનું જાહેર થતા આતંકવાદીની શોધખોળ ચાલુ કરી હતી. જો કે 12 જેટલા આંતકીઓને ઝડપી લીધા હતા બાકીના 11 જેટલા આરોપી ફરાર છે. ત્યારે ગુજરાત એટીએસની ટીમને બોમ્બ બ્લાસ્ટમાં સામેલ આંતકી મોહસીન પુનાવાળો પુણે હોવાનું જાણવા મળતા પુણેથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો

19 ફેબ્રુઆરી 2006ના રોજ કાલુપુર રેલ્વે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેનો ગુનો ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ હતી. દરમિયાનમાં ગુજરાત એ.ટી.એસના ઇન્સપેકટર ચેતનકુમાર આર જાદવને બાતમી મળી કે, કાલુપુર બ્લાસ્ટમાં સંડોવાયેલા લશ્કરે તોઇબાનો આતંકી મોહસીન પુનાવાળો પુણેના હડપસરમાં છુપાયેલો છે. જેથી એ.ટી.એસની ટીમ મોહસીનને પકડવા કામે લાગી હતી.

ટેકનિકલ સર્વેલન્સના આધારે એ.ટી.એસની ટીમ મોહસીન સુધી પહોંચી અને તેને ઝડપી લીધો હતો. એટીએસની પુછપરછમાં બહાર આવ્યું હતુ કે, કાલુપુર બ્લાસ્ટ પહેલા અમદાવાદ સહીત દેશમાંથી 15થી 20 જેટલા યુવાનોની લશ્કરે તોયબાના અસલમ કાશમીરી અને બશીર કાશમીરી દ્વારા પસંદગી કરવામાં આવી હતી.

અસલમ અને બશીર કંથારીયા તથા તડકેશ્વર મદ્રેશામાં અભ્યાસ કરતા હતા. તેના અન્ય સારગીતોની દોરણી હેઠળ નાણાકીય માર્ગદર્શન મેળવી પસંદગી કરાયેલા તમામને આતંકવાદી તાલીમ માટે પાકિસ્તાન મોકલાવમાં આવ્યાં હતા. પાકિસ્તાન પહોંચેલા તમામને હથિયારો ચલાવવા સાથે વિસ્ફોટ કરવાની ખાસ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ પૂર્ણ થયા બાદ આઇ.એસ.આઇના ઇશારે તમામને આતંકવાદી ક્રૃત્યોને અંજામ આપવા માટે અમદાવાદ મોકલવામાં આવ્યાં હતા. જ્યાં કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે બોમ્બ પ્લાન્ટ કરી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ મોહસીન પોતાનુ નામ બદલીને પુણેના હડપસર ખાતે રહેવા લાગ્યો હતો. મોહસીન નજીકની મદ્રેસામાં ભણાવવાનુ કામ કરતો હતો અને પકડાઇ જવાની બીકે ઘરમાંથી બહાર નિકળવાનુ પણ ટાળતો હતો. આ દરમિયાન કાલુપુર બ્લાસ્ટની ચાલી રહેલી તપાસ દરમિયાન મોહસીન અબ્બસ સૈયાદને ઝડપી પાડવામાં આવ્યો હતો.

શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશને બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ એજન્સીને બ્લાસ્ટ પાછળ લશ્કરે તોયબાનો હાથ હોવાની પાકી માહિતી મળી હતી. જેથી કાલુપુર બ્લાસ્ટ મામલે 18 સપ્ટેમ્બર 2006એ ક્રાઈમ બ્રાન્ચે લશ્કરએ તોયબાના આંતકવાદી ષડયંત્રનો ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસે પહેલા 12 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. બીજી બાજુ 11 જેટલા આંતકીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

(11:35 pm IST)